શિક્ષણના ધર્મમાં યજ્ઞ સમાન પ્રવેશોત્સવમાં કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાગીદાર બન્યા
તાપી: શાળા પ્રવેશોત્સવ મહોત્સવ- 2025
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 ના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગે તાપી જિલ્લાના વાલોડ તાલુકાની પેલાડ બુહારી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય અંધાત્રી અને બી.ટી.એન્ડ એલ ઝવેરી શાળા બુહારી ખાતે તેમજ વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બાગુલિયાએ વ્યારા તાલુકાના કોહલી, બોરખડી અને માયપુર શાળાઓમાં બાળકોને શાળા પ્વેશોત્સવ કરાવ્યો હતો.
જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના, વક્તવ્યો સહિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ શાળાઓમાં કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાલવાટિકા, આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને ગણવેશ અને ઉપયોગી સામગ્રીયુક્ત શૈક્ષણિક કિટ આપીને પ્રવેશ અપાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ અધિકારીઓએ કેટલીક શાળાઓમાં શાળા સંચાલન સમિતિના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો તદઉપરાંત શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ તકે અન્ય અધિકારીઓ, શાળાના આચાર્ય સહિતના શિક્ષકો, વાલીઓ, એસ.એમ.સી. ના સભ્યો તથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
