તાપી જિલ્લામાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

કાર્યક્રમમાં સૌએ કટોકટીના સમયે ઉદભવેલી પરિસ્થિતિને આબેહૂબ પ્રસ્તુત કરતી ડોક્યુમેન્ટરી અને નાટિકાનું જીવંત પ્રસારણ નિહાળ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫ : આજથી બરાબર ૫૦ વર્ષ પહેલા દેશમાં લદાયેલી કટોકટીને યાદ અપાવવા રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત ઓડીટોરીયમ વ્યારા ખાતે આજે સંવિધાન હત્યા દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. લોકશાહીના મુલ્યોના જતન દર્શાવતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા અને શ્રી મોહનભાઈ કોકણી ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે “૧૯૭૫ની કટોકટી ભારતનાં સંવિધાન અને લોકશાહીનાં મૂલ્યો પર સીધો પ્રહાર હતો. આપણા સંવિધાન પર પ્રહાર હતો. કટોકટી દરમિયાન મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. લોકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. નાગરિકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. તે સમયે આપણાં અનેક નાગરિકોએ, ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ અને સમાજ સુધારકોએ, પોતાના અધિકારો અને લોકશાહીના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે લોકશાહીનાં નવસર્જન માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું.”

મોહનભાઈ કોકણીએ જણાવ્યું હતું કે , “૫૦ વર્ષનાં આ સમયગાળામાં, ભારતીય લોકશાહીએ ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે, અને આજે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સ્થાન ધરાવીએ છીએ અને આપણું સંવિધાન આપણું માર્ગદર્શક રહ્યું છે. આપણાં રાષ્ટ્રનાં વિકાસનાં પથ પર, લોકશાહીએ હંમેશાં આપણને બળ પૂરું પાડ્યું છે. તેમ છતાં, ૧૯૭૫નો પ્રસંગ આપણને યાદ અપાવે છે કે લોકશાહીને સતત રક્ષણ અને સંવર્ધનની જરૂર છે. લોકલાડિલા અને ગુજરાતનાં પનોતા પુત્ર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ સાથે મળીને લોકશાહીને વધુ મજબૂત બનાવીએ.”

વિદ્યાર્થીઓ અને નાગરિકોને લોકશાહી તેમજ સંવિધાનના મહત્વ સમજાવવા માટે કોલેજના પ્રાધ્યાપિકા પ્રો.પ્રતિમા ગામીતે આ બાબતે જાણકારી આપી હતી. આ પ્રસંગે સંવિધાન હત્યા દિવસના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, અધિક નિવાસી કલેકટર શ્રી આર. આર. બોરડ, ડી.આર.ડી.એ ડાયરેક્ટરશ્રી ખ્યાતીબેન પટેલ, પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, અગ્રણી ડો.નીલેશ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ, નગરજનો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *