બારડોલીની બાબેન પ્રાથમિક શાળામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બારડોલી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા, બાબેન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા સંઘનાં કારોબારી સભ્યો, દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રી સહિત જિલ્લા સંઘનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે પહલગામ ઘટનામાં માર્યા ગયેલ નિર્દોષ સહેલાણીઓનાં આત્માની શાંતિ અર્થે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વાગત પ્રવચન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષભાઈ મૈસુરીયાએ કર્યું હતું. મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ગત સભાનું પ્રોસિડિંગ વાંચન કર્યા બાદ કાર્યસૂચિ મુજબ ૨૦૦૫ પહેલાનાં શિક્ષકોને OPS નો લાભ અપાવવા માટેની વહીવટી ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષક જયોત સંપાદક મંડળનાં ધીરુભાઈ પટેલે શિક્ષક જયોત બાબતે પ્રકાશ પાડ્યો હતો. પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેંગ્લોર ખાતે યોજાયેલ સંકલન બેઠકની સવિસ્તર ચર્ચા કરી હતી. તેમણે આ તકે ૨૦૦૫ પહેલાનાં ઠરાવ બાબતે સરકાર તથા રાજ્ય શિક્ષક સંઘનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લાનાં HTAT આચાર્યોને કેળવણી નિરીક્ષક તરીકે બઢતી મળતાં તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત ચિત્રકુટ એવોર્ડ 2021 વિજેતા વાંસવા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક જયંતિભાઈ દુર્લભભાઈ પટેલનું પણ જિલ્લા સંઘનાં હોદ્દેદારો દ્વારા મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શિક્ષકોનાં GPF ખાતા ખોલવા અંગેની કાર્યશાળા બાબતે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંતમાં આભારવિધિ જિલ્લા સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આટોપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ પટેલ તથા યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.