બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં બાબેનનાં શિક્ષક બળવંતભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાનાં ફરજનિષ્ઠ અને કર્મઠ શિક્ષક તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ એવાં બળવંતભાઈ સોમાભાઈ પટેલનો વયનિવૃત્તિ સન્માન સમારોહ બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળનાં સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. સુરત જિલ્લા પંચાયતનાં માજી પ્રમુખ અને આદર્શ ગામ બાબેનનાં પ્રણેતા એવાં ભાવેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ વિદાય સન્માન સમારંભમાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં માજી અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, ગામનાં ઉપસરપંચ ભરતભાઈ પટેલ, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા હોદ્દેદારો, તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ-મહામંત્રીઓ, બારડોલી વિસ્તારનાં નામાંકિત અગ્રણીઓ, સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત ખૂબજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વિદાય સન્માન પ્રસંગે બળવંતભાઈ પટેલને પુષ્પગુચ્છ, સ્મૃતિભેટ, સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે રીતસર કતાર લાગી હતી જે બાબત તેમનાં વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની એમની કુનેહને ઉજાગર કરતી હતી. શાળાનાં ઉત્થાન અને પ્રગતિ માટે તેમણે કરેલાં કાર્યો, બાળકો પ્રત્યેનો પ્રેમભાવ, સ્ટાફ સાથેનું સંકલન, સંઘભાવના જેવી ઘણી મીઠી યાદોનાં અને તેમની કદરરૂપેનાં સંભારણા આ તકે ઉપસ્થિત મહેમાનોનાં પ્રાસંગિક પ્રવચનમાં સાંભળવા મળ્યાં. શિક્ષકોનાં પ્રશ્નો બાબતે શિક્ષકોની પડખે ઊભા રહેનાર આ કુશળ વહીવટકર્તાને બાબેન પ્રાથમિક શાળાનાં શિક્ષકગણે ભીની આંખે વિદાય આપી હતી.
પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ બાબેન પ્રાથમિક શાળાનાં આચાર્ય ભાવેશભાઈ લાડે ઉપસ્થિત મહાનુભવોને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ તકે બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષભાઈ મૈસુરીયાએ બળવંતભાઈ પટેલનાં ગૌરવવંતા ૩૮ વર્ષનાં ફરજકાળનો ચિતાર રજૂ કર્યો હતો. આ તબક્કે બળવંતભાઈ પટેલે પોતાનાં પ્રતિભાવમાં કોઈપણ કાર્ય નિતીથી કરવાથી ઈશ્વરની પ્રિતી પ્રાપ્ત થાય છે એ તરફ નિર્દેશ કરી ઉપસ્થિત સૌ મહાનુભવો, અધિકારીઓ-પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા સંઘ, બાબેન પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામજનો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, મિત્રમંડળ, શુભેચ્છકો સહિત તેમનાં પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.