ઓલપાડ નગરની અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય અમિત પટેલને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું
બાળદેવોને સમર્પિત શિક્ષક સમાજનાં માનસપટ પર નિ:સંદેહ પોતાની અમિત છાપ છોડી જાય છે: કિરીટ પટેલ
છેલ્લાં 14 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્યની અન્ય શાળામાં બદલી થતાં તેમનાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં છેલ્લાં 14 વર્ષથી આચાર્ય તરીકે અવિરત ફરજ બજાવી રહેલાં અમિતકુમાર ચંદુભાઈ પટેલની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજેશભાઈ પટેલ, ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણ, અસ્નાબાદ વિસ્તારનાં અગ્રણીઓ, વાલીજનો, નિવૃત્ત શિક્ષકો સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ઉપસ્થિત સૌ મહાનુભવોએ પોતપોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં અમિત પટેલની સેવાને બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રોશન કરવામાં અમિત પટેલનો સિંહફાળો રહ્યો છે. શાળાનાં તમામ બાળકોની સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, સ્પર્ધાત્મક તૈયારીઓ, શાળા કેમ્પસમાં વૃક્ષોનું જતન જેવાં વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતાં હતાં. તેમણે ગામનાં દરેક શુભ અશુભ સામાજિક પ્રસંગોમાં અચૂક હાજરી આપીને અસ્નાબાદ વિસ્તારનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો. વેકેશન દરમિયાન પણ તેઓ શાળા મુલાકાત લેવાનું ક્યારેય ચૂકતા નહીં. પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી 14 વર્ષ સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું.
સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવાં આ આચાર્યનાં વિદાય પ્રસંગે સમસ્ત શાળા પરિવાર ભાવવિભોર બન્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અમિત પટેલનું ભવ્ય સન્માન કરી તેમને ભારે હૃદય વિદાય આપી હતી. અંતમાં શાળાનાં ઉપશિક્ષક નવીન ચૌધરીએ તેમની સેવાકીય સુવાસ અવિરત બની રહે એવી શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા પાઠવીને આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
