ચીખલી-ભેસરોટ, વેકુંરના રસ્તાઓને મરમ્મત તેમજ રીસરફેસિંગ માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું

૭૫૦૦ લોકોના જીવાદોરી સમાન આ રોડ પર લોકોને વરસાદની સિઝનમાં એક પણ નદી-નાળું કે ખાડીને લીધે મુશ્કેલી ઉભી નહિ થાય: રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૪. તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના વાઝરડા-ચીખલી ભેસરોટ- ચૌધરી ફળિયા તેમજ જામાપુર-વેકુંર રોડનું ગત રોજ માર્ગ અને મકાન-પંચાયત વિભાગ, તાપી જિલ્લા હસ્તક રીસરફેસિંગ અને રોડના કામનું ૧૫૭-માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ચીખલી ભેસરોટ તેમજ વેકુંર ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
૩ કરોડ ૮૨ લાખના ખર્ચે બનનારા આ રોડના ખાતમુહુર્ત પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી હળપતિએ જણાવ્યું હતું કે, ચીખલી ભેસરોટના આદિવાસી ભાઈઓ-બહેનોને હવે વ્યારા સુધી જવા માટે કોઈ ખાડી કે નદી નાળું નડશે નહિ. ગામલોકોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે આઝાદી પછી સૌ પ્રથમ વખત આપણા જીલ્લામાં આટલા કામો મંજુર થયા છે. આ તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે મેં પ્રયત્નો કર્યા છે અને હજુ કરીશ. હું પોતે આદિવાસી છુ અને આદિવાસી પ્રજા માટે સરકાર કામ કરી રહી છે તેનો આપણને આનંદ છે. આજના યુગમાં આપણા દરેક ગામમાં પીવાનું પાણી ઘેર ઘેર સુધી પહોચે છે. જો કોઈને પાણી ન મળતું હોય તો મને કોલ કરજો હું તમારા ઘર સુધી ટેન્કર મોકલાવીશ. પોતાની વાત કહેતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૫૧૧૦ કરોડનું માતબર રકમનું બજેટ રજુ કરી આપણા સૌ માટે વિકાસના કામો કરવા માટે પોતાની સુઝબુઝ દર્શાવી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે હજુ આવનારા સમયમાં વાઝરડા ગામની આંજના નદીને ઊંડી કરવા માટે મંજુરી લેવાની છે. તેમજ નવા આયોજનમાં ૧૫૪ જેટલા બોરવેલ અને નવા વીજ કનેકશનો પુરા પાડવાનો લક્ષ્યાંક છે.
નોધનિય છે કે,વાઝરડાથી ચીખલી ભેસરોટ જોઈનીંગ રોડ, ભેસરોટ ચૌધરી ફાળિયા રોડ, જમાપુરથી વેકુંર રોડના રીસરફેસિંગના તેમજ સપાટ કરવાના કુલ ૭.૪૦ કિમીના આ રોડ રૂ.૩ કરોડ ૮૨.૫ લાખના ખર્ચે બનાવવા માટે મંજુરી મળેલ છે. આ રસ્તાઓ અગાઉ ૩ મીટરથી લઈ ૫ મીટર સુધીની પહોળાઈ ધરાવતો હતો. જેને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વહીવટી મંજુરી મળતા આ રસ્તાના કામો શરુ કરવામાં આવશે. આ તમામ રસ્તાઓ સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારમાં લગભગ ૭.૫ હજાર જેટલી વસ્તી આવેલી છે. આ રસ્તાઓના સમાર કામોથી કોલેજ, શાળા, તેમજ વ્યારા ખાતે જીવન જરૂરી ખરીદી માટે જતા-આવતા ગામ લોકોને આ રસ્તો ખુબજ ઉપયોગી સાબિત થશે ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્ય માટે રસ્તો ખુબ મદદગાર સાબિત થશે.
આ ખાતમુહુર્ત પ્રસંગે કાર્યપાલક ઈજનેર શ્રી વિશાલ ગામીત, વિક્રમભાઇ ગામીત, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મીનેશ વસાવા, આગેવાન શ્રી રોશનભાઇ, ચીખલી ભેસરોટના સરપંચ શ્રી રુચિતા બેન ગામીત, રણજીત ગામીત, વિજય ચૌધરી, વીનેશ ગામીત, ડાનીયલભાઈ, તેમજ ગ્રામ્ય વિસ્તારોના નાગરીકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
૦૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.