શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે બોર્ડની પરીક્ષા બાબતે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

Contact News Publisher

તાપી જીલ્લામાં ધો. ૧૦માં ૯૪૭૨ તથા ધો. ૧૨માં બંને પ્રવાહમાં મળીને કુલ ૫૭૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૧૯. સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.૨૭ ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. એસ.એસ.સી- એચ.એચ.સી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર રાજ્યના જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતા અને રાજય કક્ષાનામંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ.
આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડની વ્યવસ્થા કરવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાપી જીલ્લામાં ધો. ૧૦ માં કુલ ૧૬ કેન્દ્રોના ૩૬ બિલ્ડીંગના ૩૪૧ બ્લોક પર ૯૪૭૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૦૭ કેન્દ્રોના ૧૬ બીલ્ડિંગના ૧૪૯ બ્લોક પર ૪૫૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૧ કેન્દ્રમાં 0૫ બિલ્ડીંગના ૬૦ બ્લોક પર ૧૧૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ વિડિઓ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગ, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, શિક્ષણાધિકારીશ્રી, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શિક્ષણ નિરીક્ષકશ્રી સહિત સબંધિત અધિકારીશ્રીઓ જોડાયા હતા.
**

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *