કપડવણના કપીલાબેન પ્રાકૃતિક ખેતી કરી બ્રોકોલીનું મબલખ ઉત્પાદન કરે છે

Contact News Publisher

વ્યારા તાલુકાના ગ્રેજ્યુએટ કપીલાબેનનું ખેતર શાકભાજીના ધરુવાડીયા માટે લેબોરેટરી સમાન છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦. વ્યારા તાલુકાનું કપડવણ ગામ એમ તો તાપી જીલ્લામાં આવેલું છે પણ ડાંગ જિલ્લાની બોર્ડર આ ગામથી નજીક છે. જેમ ડાંગ જિલ્લો પ્રકૃતિના રંગે રંગાયેલો છે અને પ્રાકૃતિક ખેતી માટે પ્રખ્યાત બન્યો છે તેમ કપીલાબેનના ગામની આસપાસનો વિસ્તાર પણ ડાંગ જીલ્લાના રંગે રંગાયેલો છે. કપીલાબેન ગામીત અહીના ખુબજ સાહસિક અને પ્રગતિશીલ ખેડૂત છે. ૧૯૯૧માં ગ્રેજ્યુએટ થયેલા કપીલાબેને નિરવ ફાર્મ તરીકે ફર્મ બનાવીને શાકભાજીના ધરૂ ઉછેરનો વ્યવસાય શરુ કરેલો. તેઓ જણાવે છે કે તેમનું ફાર્મ દક્ષિણ ગુજરાતનું એક માત્ર એવું ફાર્મ છે જ્યાં શાકભાજીનું ધરુ સપ્લાય કરતા હોય. કપીલાબેનના આ અભિયાનમાં તેમના પતિ અને પુત્ર બંને સહયોગ આપે છે. તેમોનો પુત્ર પુખ્ત વયનો છે અને તે પણ પ્રાકૃતિક કૃષિમાં જ આગળ વધવા માંગે છે. કપીલાબેન જણાવે છે કે તેમના ૮૦ વર્ષના સાસુ સસરા હજુ પણ સોયમાં દોરો વગર ચશ્માએ નાખી શકે છે અને કોઈ જાતની દવા વગર આરામથી જીવન ગુજારે છે.
કપીલાબેને તેમના પતિ અને પુત્રની મદદ લઈને રીંગણ, ટામેટા, મરચા, કોબીજ, ફ્લાવર, ડુંગળી અને બ્રોકોલી જેવી શાકભાજીના ધરૂ રોપવાનું શરુ કર્યું. આપણા વિસરાયેલા વિવિધ દેશી કઠોળ, જુવાર, વેલા પર ઉગતા શાકભાજી એકત્ર કરી ખેડૂતોને વિનામૂલ્યે સંવર્ધન માટે કપીલાબેનનો પરિવાર મદદ કરી રહ્યો છે. કપીલાબેને બીયારણ બેન્કની પણ સ્થાપના કરી છે. આ સિવાય તેઓ ભાતનું બિયારણ, તુવેરની વેરાયટી, દેશી પાપડી વગેરે પણ ખેડૂતોને આપે છે. જોશીલા અને ખંતીલા, કંઇક નવું કરવાના અભિગમ ધરાવતા કપીલાબેન ગામીતે સ્વ-સહાય જૂથ બનાવેલું છે જેના થકી તેઓ કૃષિ મહોત્સવ, પ્રેરણા પ્રવાસ, પ્રાકૃતિક કૃષિ વિષયે અભ્યાસ કરી પ્રાકૃતિક ખેતીનું ચુસ્તપણે અનુસરણ કરી રહ્યા છે. તેમને જયારે પૂછવામાં આવ્યું કે તેઓ નવું નવું ક્યાંથી શીખે છે તેમના જવાબમાં કપીલાબેન જણાવે છે કે તેમણે ગાંધીનગર, વડતાલ અને સુરત આત્મા કચેરી સલગ્ન પ્રાકૃતિક ખેતીની તાલીમો લીધી છે તેમણે ગામે ગામ ફાર્મર ફ્રેન્ડ તરીકે કામ કરી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કર્યો છે. તેમના આ કામને બિરદાવવા માટે નવસારીમાં ૨૦૨૧માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ છે. પ્રેરણા પ્રવાસ હેઠળ ગુજરાતના કેટલાય ખેડૂતો તેમના ખેતરમાં અવારનવાર તાલીમ માટે આવે છે. વળી આ ખેડૂતો ૨-૪ ની સંખ્યામાં નહિ પરંતુ ૧૦૦-૧૫૦ ની સંખ્યામાં એક સાથે આવતા હોય છે. આવા ખેડૂતો ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, બીઆરએસ કોલેજ, વેડછી તેમજ એગ્રીકલ્ચર યુનિ.ના વિદ્યાર્થીઓ પણ તેમની કૃષિ પદ્ધતિનો અભ્યાસ કરવા આવે છે. કપીલાબેનનું દેશી ફાર્મ એક રીસર્ચ સેન્ટરથી ઓછુ નથી.

0000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other