ધોરણ 1 અને 2 માટે નવી શિક્ષણ નીતિ આધારિત તાલુકા કક્ષાનો દ્રિદિવસીય તાલીમ વર્ગ ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો

દ્રિતીય સત્રનાં શિક્ષકસાથી મોડયુલની વિવિધ પ્રવૃત્તિઓ તથા માહિતીથી તાલીમાર્થીઓ વાકેફ થયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને ધોરણ 2 માં નવી શિક્ષણ નીતિ અને NCF-SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે. આ અધ્યયન સંપૂટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ 1 અને 2 નાં શિક્ષકો માહિતગાર થાય તે હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દ્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા, સુરત માર્ગદર્શિત આ તાલીમવર્ગમાં સમગ્ર તાલુકામાંથી કુલ 110 જેટલાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દ્રિદિવસીય તાલીમ વર્ગમાં NCF-SCF, અધ્યયન નિષ્પતિ, જાદૂઈ પિટારા, કાર્યપ્રણાલી, અધ્યયન સંપૂટ, પ્રગતિ રજીસ્ટર, સપ્તરંગી શનિવાર, રમે તેની રમત વગેરે મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
આ તાલીમવર્ગ અંગે વધુ માહિતી આપતાં તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે તાલીમ અંતર્ગત સત્ર 2 ની ‘શિક્ષક સાથી’ માર્ગદર્શિકામાં આવરી લીધેલ અધ્યયન સંપુટનાં દરેક એકમની દરેક પ્રવૃત્તિઓ વર્ગમાં કઈ રીતે કરવી અને કેવાં હેતુઓને ધ્યાને લઈ કરવી, તે માટે કઈ કઈ સામગ્રીનો આધાર લઈ શકાય અને તેમાં કઈ કઈ આધારરૂપ અધ્યયન નિષ્પત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ તેની સમજ આપવામાં આવી છે. આ બધી જ બાબતો પરત્વે તાલીમવર્ગનાં તજજ્ઞો એવાં ઈલા મહીડા, હીના પટેલ, પંકજ પટેલ, દિપ્તિ મૈસુરીયા, પ્રવિણા મોરકર, હેમા મૈસુરીયા, કલ્પના પટેલ, કિમ્પલ પટેલ તથા સૂર્યકાંત પટેલ તાલીમાર્થીઓને ખૂબજ અસરકારક રીતે માર્ગદર્શિત કરી રહ્યાં છે.
તાલીમનાં અંતિમ દિવસે તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. વર્ગ સંચાલક તરીકે માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણીએ ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી. તાલીમવર્ગને સફળ બનાવવા સ્થાનિક શાળાનાં આચાર્ય કૈલાશ વરાછીયા તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.