ઓલપાડની લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળામાં દ્વિવિધ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતનાં સભ્ય મહેન્દ્રભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલ તરફથી શાળામાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતાં. આ તકે બાળકોનાં ચહેરાઓ પર આનંદ સાથે સંતોષનો ભાવ સ્પષ્ટ વંચાઈ રહ્યો હતો. અત્રે યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં બંને યુવા અને ઉત્સાહી દાતાઓ સહિત શાળાનાં પૂર્વ આચાર્ય પ્રવિણભાઈ પટેલ, ગામનાં તલાટી કમ મંત્રી વિષ્ણુભાઈ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે શાળાનાં શાળાનાં પૂર્વ આચાર્ય પ્રવિણભાઈ પટેલે દાતાઓને શબ્દો દ્વારા આવકારી તેમની સખાવતની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમનાં દ્વિતીય ચરણમાં શાળાનાં નવનિયુક્ત આચાર્ય કનૈયાભાઈ પટેલે આજનાં રાષ્ટ્રીય બંધારણ દિવસ સંદર્ભે ઉપસ્થિત સૌને વિશેષ માહિતી પ્રદાન કરી હતી. આ સાથે તેમણે આજનાં રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે દાતા એવાં મહેન્દ્રભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલ દ્વારા મળેલ સ્વેટરૂપી દાનને રાષ્ટ્રનાં બંધારણીય મૂલ્યોનાં જતન સાથે સરખાવી શાળા પરિવાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં શાળાનાં ઉપશિક્ષક પંકજભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.