સાપુતારા વળાંકમાં બીજા દિવસે પણ કન્ટેનર ખોટકાતા વાહનો ની વાહનોની લાંબી કતારો ટ્રાફિક જામ
સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં રવિવારે બપોરનાં અરસામાં માલવાહક કન્ટેનરનો એક્સલ તૂટી જતા ટ્રાફિક જામની સ્થિતિ વણસતા કલાકો સુધી માલવાહક વાહનો સહીત એસટી બસનાં મુસાફરો રઝળી પડ્યા..
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણેક દિવસ પૂર્વે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ હાયવા ટ્રક જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામનાં યુ ટર્ન વળાંકમાં તકનીકી કારણોસર ખોટકાઈને બંધ પડી ગયુ છે. અહી યુટર્ન વળાંકનાં માર્ગમાં લોડેલ ટ્રક ખોટકાઈને ઊભુ રહી જતા એક સાઈડથી નાના મોટા વાહનો અવરજવર કરી રહ્યા હતા. તેવામાં શુક્રવારે રાત્રીનાં બે વાગ્યાનાં અરસામાં આ ખોટકાઈને ઉભી રહેલ હાઈવા ટ્રકની પાછળ કન્ટેનર આવીને અથડાતા ઘટના સ્થળે માર્ગ બ્લોક થયો હતો. અહી બન્ને વાહનો યુટર્ન વળાંકમાં થંભી જતા રાત્રીનાં બે વાગ્યાથી શનિવારે સવારે 10:30 વાગ્યા સુધી હેવી વાહનોની લાંબી કતારો જામવાની સાથે ટ્રાફીક જામની સ્થિતિ વણસી હતી. સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રાફિક જામની સમસ્યા અંગે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ. પટેલને થતા તેઓની ટીમે રાત્રીનાં બે વાગ્યાથી શનિવારે સવારે 10.30 વાગ્યા સુધી કમર કસતા ક્રેન વડે કન્ટેનરને બહાર કાઢવામાં સફળતા મળી હતી.અને એક સાઈડનો માર્ગ ખુલ્લો કર્યો હતો. તેવામાં રવિવારે ફરી આ જ યુટર્ન વળાંકમાં હાઈવા ટ્રક નજીક એક માલવાહક કન્ટેનરનો એક્સેલ તૂટી જતા અહી કન્ટેનર ખોટકાઈને ઉભુ રહી જતા બીજા દિવસે ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.રવિવારે પણ કન્ટેનર ખોટકાઈ જવાનાં પગલે ઘાટમાર્ગમાં માલવાહક વાહનોની બે ત્રણ કિલોમીટર સુધી લાંબી કતારો જામતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. જેમાં માલવાહક વાહનોની સાથે ટ્રાફિકમાં એસટી બસો ઉભી રહી જતા ગુજરાતમાંથી સુરત, વડોદરા અમદાવાદ તથા મહારાષ્ટ્રનાં વણી, નાસિક, પુના અને શિરડી તરફ જતા મુસાફરોએ ભૂખ્યા તરસ્યા રઝળપાટ કરવાની નોબત ઉભી થઇ હતી.સાપુતારા ઘાટમાર્ગમાં સતત બીજા દિવસે ટ્રાફિક જામની સ્થિતિ વણસતા ભારે વાહનો અને એસટી બસો ખોરંભે ચડી હતી. જેમાં મારૂતિ જેવા નાના વાહનો સાઈડમાંથી નિકળી જતા પ્રવાસીઓએ રાહત મેળવી હતી.સતત બીજા દિવસે સાપુતારા પોલીસ મથકનાં પી.આઇ. આર.એસ. પટેલની ટીમ ખડે પગે હાજર રહી ટ્રાફિક હળવો કરવા માટે કમર કસી રહ્યા છે. અને આ લખાઈ છે ત્યાં સુધી ટ્રાફિકની પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતા વાહનચાલકોએ ડાંગ વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે સાપુતારા ઘાટમાર્ગમાં અવાર નવાર અકસ્માત થાય છે.અને સમયાંતરે હેવી વાહનો ખોટકાઈને ઉભા રહી જાય છે.તેમ છતાંય વહીવટી તંત્ર પાસે હેવી ક્રેન નથી. સરકાર સાપુતારાનાં પ્રવેશ કર પેટે વાહનચાલકો પાસે વર્ષ દહાડે કરોડો રૂપિયા વસુલે છે. પરંતુ હેવી ક્રેન ખરીદવાની તસ્દી લેતુ નથી. જેથી આ બાબતે તંત્ર ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બની ગયુ છે..
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.