કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા મહિલા કિસાન દિવસની ઉજવણી અંતર્ગત મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાનાં ઉપક્રમે માન. કુલપતિશ્રી ડૉ.ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે-તાપી ખાતે તા. ૧૫/૧૦/૨૦૨૪નાં રોજ “મહિલા કિસાન દિવસની ઉજવણી” અંતર્ગત મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ તાલુકાની કુલ ૯૦ થી વધુ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
ડો. વિપિન ગર્ગ, માન. કલેકટરશ્રી, તાપી દ્વારા ગ્રામિણ મહિલાઓને મહિલા કિસાન દિવસની શુભેચ્છાઓ પાઠવી પ્રગતિશીલ મહિલાઓનું સન્માન કર્યુ હતું. ડો. વિપિન ગર્ગએ કૃષિક્ષેત્રે મહિલાઓને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અપનાવી પોતાની આવક વધારવા કેવિકેનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા તેમજ મહિલાઓને કૃષિલક્ષી વ્યવસાયો થકી વધુ આવક મેળવવા હાંકલ કરી હતી. તેમજ વધુમાં વધુ મહિલાઓ બજાર વ્યવ્સ્થાપન અને મુલ્ય વર્ધન સાથે પણ સંકળાય તે માટે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં ડો. સી. ડી. પંડ્યા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી એ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. વધુમા તેમણે મહિલાઓનો કૃષિક્ષેત્રે ફાળો તથા ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણના કેવિકે-તાપીના વિસ્તરણ કાર્યો વિશે ખેડૂત મહિલાઓને અવગત કર્યા હતાં.
શ્રી ચેતન ગરાસિયા, જિલ્લા ખેતી અધિકારી, તાપી દ્વારા સરકારશ્રીની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૂતમાં સમજ આપી હતી. શ્રી એ. કે. પટેલ પ્રોજેક્ટ ડાયરેકટર, આત્મા પ્રોજેક્ટ, તાપી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપી હતી. શ્રી તુષાર ગામીત, નાયબ બાગાયત નિયામક, જિ. તાપી દ્વારા સરકારશ્રીની બાગાયતલક્ષી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક(ગૃહવિજ્ઞાન), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારા દ્વારા મહિલાઓનું કૃષિ વિકાસમાં યોગદાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમા તેમણે કૃષિલક્ષી વ્યવસાયો વિશે માહિતી આપી મહિલાઓને કેવિકે થકી આપવામા આવતી તાલીમો વિશે અવગત કર્યા હતા.
સદર કાર્યક્રમમા સફળ અને પ્રગતિશીલ મહિલાઓ શ્રીમતી ઇન્દુબેન રમણભાઇ ગામીત (કપુરા), અંજનાબેન રમણભાઇ ગામીત (નાની ચિખલી), સોનલબેન સંજયભાઇ ગામીત (ડોલારા), ઇન્દુબેન આનંદભાઇ ચૌધરી (જામલીયા), સુનિતાબેન રમેશભાઇ ગામીત (ચિખલદા) ઓનું ઉપસ્થિત મહાનુભવો દ્વારા પુષ્પગુચ્છ, પ્રમાણપત્ર, ડ્રેગનફૃટના છોડ અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) અને આભારવિધી કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે નીરવ મકાણી, ટ્રેનિંગ આસિસ્ટન્ટ દ્વારા ખેડૂતોને જુદા જુદા નિદર્શન એકમોની તેમજ કેવીકેના નિદર્શન એકમોની લઇ અંતમાં મહિલાઓ દ્વારા આદિવાસી સાંકૃતિક નૃત્ય કરી ઉજવણી કાર્યક્રમને પુર્ણ કરવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.