તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ખાતે નિઃશુલ્ક મહા આરોગ્ય કેમ્પ યોજાયો

Contact News Publisher

રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલા આરોગ્ય કેમ્પમાં ૬૨ ગામોના ૭ હજારથી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. સુરત,નવસારી,તાપીના ખ્યાતનામ તજજ્ઞોએ છેવાડાના ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે અનેકવિધ સેવાઓ આપી સ્વાસ્થ્યની સુવાસ ફેલાવી

સમાજની તમામ સેવાઓ કરતા આરોગ્યની સેવાઓ સર્વશ્રેષ્ઠઃ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૮- તાપી જિલ્લાના અંતરિયાળ એવા ઉચ્છલ તાલુકાના ભડભૂંજા (આશ્રમશાળા) ગામે પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યકક્ષાના વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ,જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંગ વસાવા,ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આર.કે. એચઆઈવી એઈડ્સ રીસર્ચ એન્ડ કેર સેન્ટર અને તાપી જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ કેમ્પમાં ૬૨ ગામોના ૭ હજારથી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આરોગ્ય સેવાઓને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકતા રાજ્યકક્ષા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજની તમામ સેવાઓમાં આરોગ્યની સેવાઓ સર્વશ્રેષ્ઠ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌના આરોગ્યની ચિંતા કરે છે. છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડવા આરોગ્ય મંદિર બનાવ્યા છે. આયુષમાન કાર્ડની યોજના થકી ગંભીર બિમારીઓ સામે સુરક્ષા પુરી પાડી છે. આજે કેમ્પમાં જુદી જુદી હોસ્પિટલોના નામાંકિત ડોકટરો પોતાની સેવા આપી રહ્યા છે. જેમાં લેબોરેટરી, સ્કીન, હાર્ટ, ગાયનેકોલોજીસ્ટ, બાળરોગ, યુરોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ, આંખના રોગો, સિકલસેલ જેવા રોગોનું નિદાન કરી વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને જે તે હોસ્પિટલમાં યોજનાકિય લાભ સાથે સારવાર મળી રહેશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સેવાસેતુ શરૂ થયા છે. ત્યારે ગુજરાતમાં તાપી જિલ્લો આયુષમાન કાર્ડની યોજનામાં મોખરે છે. તાપી વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ, આશાબહેનો, મેલ-ફિમેલ હેલ્થ વર્કરો અભિનંદનને પાત્ર છે.
ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ કેવી રીતે પહોંચે તેની ચિંતા સરકાર કરે છે.કોરોના સમયમાં આરોગ્ય વિભાગની કામગીરીની નોંધ લેવાઈ છે. આપણે સ્વસ્થ રહીંશું તો સમાજ, ગામ, રાજ્ય અને આપણો દેશ સ્વસ્થ રહેશે અને આપણે વિકસિત ભારત બનાવવાનું વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરીશું.

ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે આરોગ્યની સાથે પર્યાવરણની પણ ચિંતા કરવી જોઈએ. આપણે સૌએ એક પેડ માં કે નામ અંતર્ગત વધુ વૃક્ષો વાવીએ તેનું જતન કરીએ. વધુમાં એસ્પિરેશનલ બ્લોક એવા નિઝર અને કુકરમુંડામાં પણ આરોગ્યના કેમ્પો યોજાય અને ઈન્સ્પરેશનલ બ્લોકની દિવાદાંડી બનવા અપેક્ષા વ્યક્ત કરી હતી.

છેવાડાના લાભાર્થીઓ માટે તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા ૭ હજાર ચશ્માનું વિતરણ, દિવ્યાંગો માટે ૧૦૦૦ વ્હીલચેર,સિકલસેલના દર્દીઓ માટે ૫૦૭ કીટ,કુપોષિતો માટે ૬૫૦૦ કીટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. વનવિભાગ દ્વારા એફઆરએના ૧૨૧ લાભાર્થીઓને પંપસેટ અર્પણ કરાયા હતા.

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાએ સૌ મહાનુભાવોને આવકારતા કહયું હતું કે આરોગ્ય વિષયક સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે માટે સંસ્થા અને વહીવટી તંત્ર ના સહયોગથી કેમ્પનું આયોજન કરાયુ છે. આશ્રમશાળાની બાલિકાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત રજુ કર્યા હતા. આર.કે.  એચઆઈવી એઈડ્સ રીસર્ચ સંસ્થાના પ્રમુખશ્રી ડો.ધર્મેન્દ્ર સિંગે આભાર દર્શન કરતા જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૯ હજાર જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ૩ કરોડ ૫૫ લાખ દર્દીઓએ લાભ લીધો છે.૯૬ હજાર જેટલી સર્જરી કરવામાં આવી છે. ૨.૮૫ લાખ ટીબીના દર્દીઓને ટીબીમુક્ત કર્યા છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબીમુક્ત ભારત બનાવવાનું અમારુ મિશન છે.
મેડિકલના આ કેમ્પમાં યુનિવર્સલ હોસ્પિટલ,બેન્કર્સ હોસ્પિટલ,સુરત, ,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઉચ્છલ, ઓરા ક્લિનિક, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, જનક સ્મારક હોસ્પિટલ,વ્યારા, સી.એચ.સી. વાલોડ, નિરાલી હોસ્પિટલ નવસારીના તજજ્ઞ ડોકટરો, ઉચ્છલ તાલુકા પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન વળવી,માધુભાઈ કથીરીયા, મયંકભાઈ જોશી, રાકેશભાઈ કાચવાલા,ડો.નિલેશ ચૌધરી, પદાધિકારીઓ મસુદાબેન નાઈક, કુસુમબેન વસાવા, જૈનાબેન વસાવા સહિત તાપી જિલ્લા આરોગ્ય વિભાગના ડોકટરો, આરોગ્ય સ્ટાફ સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *