ઓલપાડનાં કરમલા ગામ સ્થિત મધુરમ વિલા યુવક મંડળ દ્વારા સ્થાપિત ઈકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની
જળચર સજીવોને ધ્યાને રાખી મૂર્તિ સ્થાપન કરી સમાજને હકારાત્મક સંદેશ પાઠવવાનો સ્તુતત્ય પ્રયાસ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કરમલા ગામમાં મધુરમ વિલા યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવેલ છે. જ્યાં છેલ્લાં સાત વર્ષથી પેપરનાં, મગફળીનાં, ગોળનાં, ભુંગળાનાં ઉપરાંત ગાયનાં છાણમાંથી બનેલ ગણપતિની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે આ મંડળ દ્વારા જે મૂર્તિ બનાવી છે તે કાળા તલથી નિર્મિત છે જે સવા ચાર ફૂટની છે અને તેનું વજન 15 કિલો જેટલું છે. જેને બનાવવાનો ખર્ચ રૂપિયા 1500 થયેલ છે. સ્વચ્છ ભારત અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ પહેલ અંતર્ગત દર વર્ષે નવી નવી મૂર્તિઓ સ્થાપિત કરીને આ મંડળ તેનું વિધિવત વિસર્જન કરે છે.
કરમલા ગામનાં યુવા અગ્રણી હર્ષદ ગોરાણીનાં જણાવ્યા અનુસાર આ મંડળ જળચર પ્રાણીઓને નુકસાન ન પહોંચે અને તેમને ખોરાક મળી રહે એવાં શુભ આશય સાથે પ્રતિ વર્ષ અલગ અલગ ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું નિર્માણ કરીને તેનું આસ્થાપૂર્વક સ્થાપન કરે છે જે નોંધનીય બાબત છે. ગણેશોત્સવનાં માધ્યમ દ્વારા સમાજમાં હકારાત્મક સંદેશ પહોંચાડનાર મધુરમ વિલા યુવક મંડળને સૌએ અભિનંદન પાઠવ્યા હતાં.