તાપી જિલ્લામાં વરસાદની પરિસ્થિતિના પગલે પ્રભારી સચિવશ્રી મિલિન્દ તોરવણેના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
પ્રભારી સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને તકેદારી રાખી સાવચેત રહેવા સૂચિત કર્યા
–
વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨ તાપી જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રભારી સચિવશ્રી મિલિન્દ તોરવણેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ ગત દિવસોમાં પડેલ ભારે વરસાદ દરમિયાન કરેલ કામગીરીની સમીક્ષા કરી વર્તમાન સ્થિતિના આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા.
પ્રભારી સચિવશ્રીએ તાપી જિલ્લાની વિવિધ કચેરીઓની,તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય વિભાગ અને ડીજીવીસીએલ વિભાગને તાકિદ કરી હતી કે, નાગરીકોને આરોગ્યક્ષી સુવિધાઓ અને વીજપુરવઠો ખોરવાય નહી તેની ખાસ તકેદારી રાખવી.
જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગે અને નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે તાપી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતી સહિત વરસાદની સ્થિતિને પગલે તાપી જિલ્લામાં થયેલી કામગીરીથી પ્રભારી સચિવશ્રીને અવગત કર્યા હતા. વરસાદની સ્થિતિને પગલે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીઓ લેવામાં આવી રહી છે. ડોલવણ અને વાલોડ તાલુકાને પ્રભાવિત કરતી પુર્ણા અને વાલ્મિકી નદીઓના સંભવિત જોખમોની તૈયારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં અવેલા પગલાઓની વિગતો આપી જિલ્લામાં મૌસમના કુલ વરસાદની સ્થિતિ અંગે પ્રભારી સચિવશ્રીને જાણકારી આપી હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી, પાણી પુરવઠા, પશુમૃત્યુ, અતિવૃષ્ટી, આરોગ્ય, જિલ્લાના તમામ રોડ રસ્તા અને વિવિધ નુકશાનીના ચુંકવણાની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય અને જરૂરી માર્ગદર્શન આપી સાવચેત રહેવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહ, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર, નાયબ પોલિસ અધિક્ષકશ્રી સહિત વિવિધ વિભગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000