વરસાદ બાદ ડાંગનું જીવન ફરી ધબકતું થયું

Contact News Publisher

અસરગ્રસ્તોને સહાયના ચુક્વણા સાથે રોડ રસ્તા ખુલ્લા કરાયા :

વીજ લાઇનને થયેલા નુકશાનનું સમારકામ હાથ ધરવા ઉપરાંત ઠેર ઠેર દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઇ :

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા : ૨૯: ગત સપ્તાહે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી મળેલી વિગતો મુજબ, ગત તા.૨૩ થી ૨૭ મી ઓગસ્ટ-૨૦૨૪ દરમ્યાન ડાંગ જિલ્લામાં સરેરાશ ૫૩૧ મી.મી જેટલો વરસાદ ખાબકતા, જિલ્લાની લોકમાતાઓ અંબિકા, ગિરા, ખાપરી, અને પુર્ણાએ રોદ્ર રૂપ ધારણ કર્યું હતું. જેની અહીના જનજીવન ઉપર પણ વિપરીત અસરો થવા પામી હતી.

ત્યાર બાદ છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદે વિરામ લેતા, જિલ્લાનું જનજીવન પુન : ધબકતું થવા સાથે, વાહન વ્યવહાર પણ પુન : સ્થાપિત થવા પામ્યો છે.

વરસાદની વિપદા વચ્ચે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની આગેવાની હેઠળ, જિલ્લા વહીવટી તંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના તમામ વિભાગોએ પરસ્પર સંકલન અને સહયોગ સાથે બચાવ રાહત કામગીરી હાથ ધરી, પ્રજાજનોની પડખે રહેવાનો અભિગમ અપનાવ્યો હતો. જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, નાયબ મુખ્ય દંડક-વ-ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અને વલસાડ/ડાંગના સાંસદ-વ-લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ અને સ્થાનિક પ્રજા પ્રતિનિધિઓએ પણ, તંત્રને માર્ગદર્શિત કર્યા હતા.

સૌના સહિયારા પ્રયાસોથી ડાંગ જિલ્લાના વહીવટી તંત્રે આ વિપદ વેળાએ, જિલ્લામાં બનેલી આઠ (૮) જેટલી માનવ મૃત્યુની દુ:ખદ ઘટનામાં, ખૂબ સંવેદનશીલ અભિગમ અખત્યાર કરતા, તુરંત કાર્યવાહી હાથ ધરી, મૃતકના પરિવારોને સહાય પહોચાડવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી, ૮ પૈકી પાંચ (૫) કેસોમાં રૂ. ૪ લાખ મુજબ કુલ રૂ. ૨૦ લાખની નાણાંકીય સહાય, મૃતકના પરિવારજનોને ચૂકવી દેવામાં આવી છે. જ્યારે અન્ય ૩ કેસોની કાગજી કાર્યવાહી ચાલી રહી છે.

આ ઉપરાંત જિલ્લામાં નોંધાયેલા ૧૪ જેટલા પશુ મૃત્યુના કેસમાં કુલ રૂ.૨ લાખ ૯૬ હજાર ૮૦૦ ની સહાય, પશુમાલિકોને ચૂકવવામાં આવી છે. તો એક (૧) ઝૂપડાને થયેલા નુકશાન બદલ રૂ.૮ હજાર, ૧૨ જેટલા કાચા મકાનોને થયેલા આંશિક નુકશાન બદલ કુલ રૂ.૫૨ હજાર, સંપૂર્ણ નુકશાનીના ૪ કેસોમાં રૂ.૪ લાખ ૮૫ હજાર, સહિત પાકા મકાનોના આંશિક નુકશાનીના ૭ કેસોમા કુલ રૂ.૪૫ હજાર ૫૦૦ ની નાણાંકીય સહાયનું ચૂકવણી કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ૩ જેટલા ડીપી સ્ટ્ર્ક્ચરને નુકશાન થવા સાથે, ૧૪ વીજ પોલ, ૧૦.૨ કિલોમીટરની HT લાઇન અને ૫.૯ કિલોમીટર લંબાઈની LT લાઇન મળી, વીજ કંપનીનું પણ કુલ રૂ.૫ લાખનું નુકશાન નોંધાવા પામ્યું છે. વરસાદી માહોલ વચ્ચે રાતદિવસ વીજકર્મીઓએ, આ વીજ લાઇનનું સમારકામ કરી, ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો નિયમિત થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

વરસાદને કારણે જિલ્લાના મુખ્ય માર્ગો ન અવરોધાય, અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહે તે માટે, રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરી સતર્કતા દાખવતાં જિલ્લાના સાતેય રાજ્ય ધોરી માર્ગો, અને ૨૨ જેટલા પુલો ઉપર સતત મેન પાવર ઉપલબ્ધ કરાવી, જરૂરી મશીનરી સહિત કુલ ૧૩ ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. સાથે સંવેદનશીલ સ્થળે જે.સી.બી, ટ્રી કટર અને લાશ્કરોની સેવા સાથે, પેચવર્ક માટે જરૂરી મટિરિયલનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો હતો. આજની તારીખે તમામે તમામ સાતે સાત રાજ્ય ધોરી માર્ગો અને ૨૨ પુલો ટ્રાફિકેબલ સ્થિતિમાં છે.

દરમિયાન આહવા-ચિંચલી-બાબુલઘાટ રાજ્ય ધોરીમાર્ગનો અંદાજિત ૪.૨૦ કી.મી લંબાઈની સપાટી ખરાબ થઈ જવા પામી છે. જ્યારે આહવા-વઘઇ રાજ્ય ધોરી માર્ગ ઉપર આહવા ટાઉન પોર્શનમાં પણ કેટલીક સપાટી ખરાબ થઈ થવા પામી છે. જેના ઉપર મેટલ પેચવર્કની કામગીરી હાથ ધરવા સાથે, તેના યોગ્ય મજબુતિકરણનું મંજૂર થયેલું કામ, વરસાદ બાદ હાથ ધરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

રાજ્ય ધોરી માર્ગ ઉપરાંત જિલ્લાના ૮૨.૨ કિલોમીટર લંબાઈના એકમાત્ર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૯૫૩ ઉપર, ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન, અને ધોવાણના બનાવો બાદ આ માર્ગો પણ, વાહન વ્યવહાર યોગ્ય કરી દેવામાં આવ્યા છે.

વરસાદ બાદ પાણી ઓસરતાં જિલ્લામાં કોઈ રોગચાળો ન ફાટી નીકળે તે માટે, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમીકને લગતી જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામા આવ્યો છે. સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો થી લઈને તાલુકા અને જિલ્લા ક્ક્ષાએ કુલ ૧૪ જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ પણ એલર્ટમોડમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે નજીકની ડિલિવરી ડ્યુડેટ વાળી સગર્ભા માતાઓનું લાઇન લિસ્ટ પણ તૈયાર રાખી તેમની ખેરખબર રાખવામા આવી રહી છે.

જિલ્લાની આંગણવાડી અને શાળાઓમાં પણ આગોતરી તકેદારીના પગલાઓ લેવા સાથે જિલ્લાના નદી, નાળા, ચેકડેમ, કોઝ વે, ધોધ જેવા સ્થળે, કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે, ૪૫ જેટલા આપદા મિત્ર, ૨૬૩ હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળના જવાનો, ૨૩૩ પોલીસના જવાનો, ૧૩ પોલીસ અધિકારીઓ સહિત ડી.વાય.એસ.પી. અને એસ.પી. કક્ષાના અધિકારીઓ પરિસ્થિતી ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

વનચ્છાદિત ડાંગ જિલ્લાના વન માર્ગો ઉપર પડેલા વૃક્ષો ત્વરિત હટાવવા, અને વાહન વ્યવહાર પુન: રાબેતા મુજબ થાય તે માટે વન વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓને વિશેષ સાધનોથી સજજ કરીને, રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે સુજ્જ કરાયા છે.

આમ, સમગ્ર ડાંગ જિલ્લા પ્રશાસન વિપદ વેળાએ ખભેખભા મેળવીને, રાજ્ય સરકારના આદેશ અનુસાર, અહીંનુ જનજીવન પુન: ચેતનવંતુ બને તેવા સહિયારા પ્રયાસોમાં લાગી ગયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *