ઓલપાડ તાલુકાનું ગૌરવ : હેમલતાબેન પરમાર
ઓલપાડની કઠોદરા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા હેમલતા પરમારની તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લાનાં શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા હેમલતાબેન પરમારની પસંદગી થતાં કીમ પંથકનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.
આગામી 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિનનાં રોજ હેમલતાબેન પરમાર નિયત સ્થળે યોજાનારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ-પદાધિકારીઓનાં હસ્તે એવોર્ડ સ્વીકારશે. અત્રે ઉલ્લેખનીય છે કે હેમલતાબેન પરમાર પોતાની શાળામાં શ્રેષ્ઠતમ શિક્ષણકાર્ય સાથે શિક્ષણમાં નવાચાર, વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિગેરે જેવી વિવિધ બાબતે ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. પોતાનાં વર્ગને જ હંમેશા સ્વર્ગ બનાવીને કાર્ય કરતાં આ શિક્ષિકા પોતે પી.એચ.ડી. પણ છે. ઉપરાંત રાજ્યકક્ષાએ હાલમાં પણ કી-રિસોર્સ પર્સન તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં છે.
હેમલતાબેનની શ્રેષ્ઠ શિક્ષક તરીકેનાં તાલુકા કક્ષાનાં એવોર્ડ માટે પસંદગી થતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ સહિત કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકોએ આનંદસહ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.