વઘઇ તાલુકાના માનમોડી કલસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૧: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામાં આવી રહી છે. ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ, પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અને વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય તે માટે, વિવિધ તાલુકાઓના ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે.
ગત તારીખ ૧૩ ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના માનમોડી કલસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૮ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં માસ્ટર ટ્રેનર શ્રીમતી મિત્તલબેન અને શ્રી સંદિપભાઇ દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખના ઉપયોગ વિશે ખુબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ લોકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
–