યુવાઓમાં નશાની પ્રવૃતિ રોકવા, દુકાનોમાં સોલ્યુશન કે અન્ય પ્રકારની નશીલા બિન પ્રતિબંધિત પદાર્થ/ચીજવસ્તુઓ નહીં વેચવા ડાંગ જિલ્લા પોલીસે દુકાનદારોને ચેતવ્યા
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૧: તાજેતરમાં સુરત રેંન્જ આઇ.જી.પી. શ્રી પ્રેમવીર સિંહના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં આહવા ટાઉન વિસ્તારમાં સગીરો દ્વારા ટાયર પંચર માટે વપરાતા લેવાતા સોલ્યુશનનો ઉપયોગ કરી, કેટલાક અણસમજુ યુવાનો નશાની પ્રવૃતિ કરતા હોવાની બાબત સામે આવી હતી. જેનાં અનુસંધાને ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની સુચના મુજબ, પોલીસની ખાસ ટુકડી એસ.ઓ.જી. દ્વારા, આહવા વિસ્તારની તમામ હાર્ડવેરની દુકાનો, તથા સોલ્યુશન વેચનાર તથા વાપરનાર પંકચરની દુકાનોમાં, આવુ સોલ્યુશન તેમજ અન્ય પદાર્થ અંગે ઘનિસ્ઠ ચેકિંગ હાથ ધરાયું હતુ.
એસ.ઓ.જી. દ્વારા દુકાનદારોને સગીર વયના કિશોરો, યુવક/યુવતિઓને આવા સોલ્યુશન કે અન્ય પ્રકારની નશીલી બિન પ્રતિબંધિત પદાર્થ/ચીજવસ્તુઓ નહીં આપવા, જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ જ્યારે આવી ચીજવસ્તુઓનું અન્ય વ્યકિતઓને વેચાણ કરવામાં આવે, ત્યારે તે અંગેની યોગ્ય નોંધ વેચાણ રજીસ્ટરમાં કરવા ખાસ સુચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ આહવા ખાતે યોજાયેલી જિલ્લા ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠકમાં પણ, સમિતિ સભ્ય એવા સામાજિક કાર્યકર શ્રી સ્નેહલ ઠાકરે દ્વારા, આ બાબતે કલેકટરશ્રી સમક્ષ અપીલ કરી, યુવાનોમાં વ્યાપ્ત નશા ની આ લત સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તે વેળા પણ ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ આ બાબતે, સૌને સામુહિક પ્રયાસો કરી, યુવાનોને આ બાબતે વિશેષ જાગૃત કરવાની તાકીદ કરી હતી.
–