ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારત તહેવારોનાં દેશ તરીકે ઓળખાય છે. જ્યાં અનેક નાના મોટા તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. જે પૈકી ભાઇ-બહેનનાં પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો તહેવાર એટલે રક્ષાબંધન. જેમાં બહેન ભાઇને રાખડી બાંધી ભાઈનાં રક્ષણ કાજે ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે.
ભાઇનાં જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલાં રક્ષાબંધન પર્વની ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, જીણોદ, નઘોઇ, કમરોલી, મીંઢી, મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દરેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વની મહત્તા સમજાવવામાં આવી હતી. શાળામાં ભણતી બાળાઓએ ખૂબજ સ્નેહપૂર્વક સહઅભ્યાસી ભાઈઓને રાખડીઓ બાંધી હતી. બાળકો દ્વારા બહેનોને યથાશક્તિ ભેટ આપવામાં આવી હતી. સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ અને કેન્દ્રાચાર્યા એવાં જાગૃતિ પટેલે કેન્દ્રનાં બાળકો સહિત શિક્ષકોને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.