આહવા ખાતે તિરંગો લહેરાવતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
‘એક પેડ, માં કે નામ’ અને ‘હર ઘર તિરંગા’ સાથે ખડો થયો દેશભક્તિનો અનોખો માહોલ :
–
તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ કરાયુ સન્માન :
–
ડાંગના જિલ્લા કક્ષાના આહવાના કાર્યક્રમ સાથે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા ગામે અને સુબિરનો કાર્યક્રમ મોખામાળ ખાતે યોજાયો :
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૫: ડાંગ જિલ્લાના આહવા ખાતે તિરંગો લહેરાવતા પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ-ઉચ્ચ શિક્ષણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ, સૌને ‘સ્વતંત્રતા પર્વ’ની ઉજવણીની શુભકામના પાઠવી હતી.
દેશ સમસ્તની જેમ ‘એક પેડ, માં કે નામ’ અને ‘હર ઘર તિરંગા’ સાથે ડાંગ જિલ્લામા પણ ખડા થયેલા દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા મંત્રીશ્રીએ તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ અભિવાદન-સન્માન પણ કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, ડાંગના જિલ્લા કક્ષાના આહવાના કાર્યક્રમ સાથે વઘઇ તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ ભદરપાડા ગામે, અને સુબિર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ખાતે યોજાયો હતો.
આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી પાનશેરીયાએ ખુલ્લી શણગારેલી જીપમા પરેડ નિરીક્ષણ કરી, પ્રજાજનોનુ અભિવાદન ઝીલી, પ્રજાજોગ ઉદબોધન રજૂ કર્યું હતુ.
કાર્યક્રમના ભાગરૂપે ડાંગ પોલીસના જવાનોએ માર્ચ પાસ્ટ યોજી હતી. રાષ્ટ્રધ્વજને અહીં એકવીસ રાયફલોના ફાયરિંગ (હર્ષ ધ્વનિ) સાથે સલામી અપાઈ હતી. મહાનુભાવોએ પોલીસ ગ્રાઉન્ડના પટાંગણમા વૃક્ષારોપણ પણ કર્યું હતુ.
પ્રજાજોગ ઉદબોદ્ધન દરમિયાન મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ, ડાંગના વિકાસની રૂપરેખા વર્ણવી હતી. તેમણે જિલ્લામા શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસ, પાણી પુરવઠા, રમત ગમત, ગ્રામ વિકાસ વિગેરેના કાર્યોની વિગતો રજૂ કરી હતી.
મંત્રીશ્રીએ ‘નશામુક્ત ભારત’ માટે સૌને હાંકલ કરી સ્વસ્થ ભાવિ પેઢીના નિર્માણ માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે શુદ્ધ હવા, પાણી, અને પર્યાવરણ જેવા કુદરતી સ્ત્રોતોનો સમજપૂર્વક ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. મંત્રીશ્રીએ ડાંગ જિલ્લાને શ્રેષ્ઠ મહેસુલી સેવા માટે મળેલા ‘ભૂમિ સન્માન’ એવોર્ડ, અને હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગને મિલેટ્સ ઈયર સંદર્ભે મળેલા ‘સ્કોચ’ સિલ્વર એવોર્ડ સહિત ડાંગ પોલીસના સમાજ સુધારણાના વિવિધ પ્રોજેક્ટ બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી.
પોતાના પ્રજાજોગ સંદેશમાં મંત્રીશ્રીએ દેશ અને દેશના નાગરિકો વિશ્વમાં સ્વમાનભેર જીવવા માંગે છે. ત્યારે વૈશ્વિક ભાઈચારો એ હરેક ભારતીયોની રગે રગમા વ્યાપત છે તેમ જણાવી, ભારત વર્ષની સાંસ્કૃતિક વિરાસતના જતન સંવર્ધનને સમર્પિત દેશવાસીઓની વિભાવના સ્પષ્ટ કરી હતી. નમો લક્ષ્મી અને નમો સરસ્વતિ જેવી કન્યા શિક્ષણની યોજનાઓની વિગતો રજૂ કરતા મંત્રીશ્રીએ દેશની ઇકોનોમિ, વિશ્વની ઇકોનોમિ સાથે પ્રથમ ત્રણમાં સ્થાન પામે તેવા પ્રયાસોની રૂપરેખા રજૂ કરી હતી. પ્રાકૃતિક ડાંગ ની વિભાગના સ્પષ્ટ કરતા મંત્રીશ્રીએ આઝાદી બાદ સને ૨૦૪૭ સુધી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અભિયાનનો ખ્યાલ આપ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના ભાગરૂપે આહવા તાલુકાના વિકાસ માટે ₹ ૨૫ લાખ, અને સુબિર તથા આહવા તાલુકાને રૂપિયા પાંચ પાંચ લાખનુ વિશેષ અનુદાન પણ અર્પણ કરાયુ હતુ.
દરમિયાન ડાંગ પોલીસ દ્વારા પરેડ કમાન્ડર શ્રી રમેશભાઈ આહિરેની રાહબરી હેઠળ હથિયારી પોલીસ, અને મહિલા પોલીસ, પોલીસ બેન્ડ, હોમગાર્ડ, અને ગ્રામ રક્ષક દળના જવાનોની માર્ચ પાસ્ટ અને પરેડ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ રમતવીરો, શિક્ષકો, ‘એક પેડ, માં કે નામ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓ, કાર્યક્રમો કરનારી શાળાઓ, બોર્ડની પરીક્ષાઓમા સો ટકા પરિણામ લાવનાર શાળાઓ, પ્રતિભાશાળી શિક્ષકો, યોગાચાર્યો, પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ વિગેરેનુ જાહેર સન્માન કરાયુ હતુ. કાર્યક્રમના ઉદઘોષક તરીકે શિક્ષક શ્રી વિજય ખાંભુ અને અન્ય ગુરૂજનોએ સેવા આપી હતી.
આહવાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમા ડાંગના વાસુરણા, લિંગા અને પિમ્પરીના રાજવીશ્રીઓ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ, કલેકટર શ્રી બી.બી.ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી સહિતના વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ, તાલુકા/જિલ્લાના હોદ્દેદારો, સમાજ સેવકો, નગરશ્રેષ્ઠીઓ, નગરજનો, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ, શાળા/મહાશાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–