તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી

Contact News Publisher

રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઇ આગળ વધવાનો આજે એક અવસર છે:-રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની

વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15 તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુબેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઇ આગળ વધવાનો એક અવસર છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. દેશની મહામૂલી આઝાદી માટે બલિદાન આપનારા અનેક વીર સપૂતો તથા વીરાંગનાઓ સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રના જન જનમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય તેવા ઉદેશ્યથી વડાપ્રધાનશ્રીએ તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે આહવાન કર્યું હતું. ત્યારે આ આહવાનને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર તાપી જિલ્લાના તમામ નાગરીકો દ્વારા ખુબ મોટો પ્રતિસાદ મળ્યો છે.

તાપી જિલ્લો આજે વિવિધ ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરીને હર હંમેશ આગળ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ૯મી ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાને પ્રાયોજના કચેરી દ્વારા પંચાયત, આદિજાતી અને પ્રાથમિક શિક્ષણ વિભાગની વિવિધ યોજનાના કુલ રૂપિયા ૨૬ કરોડના ૬૮૦ કામોનું ઈ-લોકાર્પણ,ખાતમુહુર્ત કર્યું છે.એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે તાપી જિલ્લામાં આવેલ ઉકાઇ જળાશય આધારીત શરુ કરવામં આવેલ ઉદ્દવહન સિંચાઇ યોજના પાઇપલાઇન મારફતે તાપી જિલ્લાના ઉચ્છલ, સોનગઢ, કુકરમુંડા, નિઝર તલુકાના સિંચાઇથી વંચિત આદિજાતી વિસ્તારને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરવવાની યોજનાના કામો લગભગ ૯૨% કામ પુર્ણ કરવામાં આવેલ છે. આ યોજનાથી તાપી જિલ્લાના ૧૩૬ ગામોના અંદાજિત ૨૭૯૭૨ હેક્ટર જમીનને પાણીનો લાભ મળવાનો છે. જે તાપી જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે.

સોનગઢ તાલુકાના નાગરીકોને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ એક પેડ માં કે નામ ની અનોખી પહેલને સોનગઢ ખાતે નાગરિકો એક જ દિવસે ૭ હજાર વૃક્ષઓ વાવી એક પેડ માં કે નામનો રેકોર્ડ કરી આખા ગુજરાત રાજ્યમાં નામના મેળવી છે અને આપણા તાપી જિલ્લા માટે ગૌરવ ની વાત એ છે કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વાતની નોંધ લીધી છે. તાપી જિલ્લામાં આપણે સૌ સાથે મળીને કાર્ય કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન અપવાનું છે એમ ઉમેર્યું હતું.

અંતે તેમણે વિવિધ વિભાગો અંતર્ગત કાર્યરત યોજનાકિય માહિતીમાં તાપી જિલ્લા દ્વારા કરવામાં આવેલ સિધ્ધિઓને વર્ણવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતું તમામ કામગીરીમાં અગ્રેસર છે.

આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા વહિવટી તંત્ર વતી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ને અર્પણ કરાયો હતો.

કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ સહિત એન.સી.સી. કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી. તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. પોલીસ જવાન અને ડોગ હેન્ડલર પોલીસ જવાનો ડોગ માઇલો અને પિન્કી-ડોબરમેન પાસે વિવિધ કરતબો કરાવ્યા હતા. આ ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી પુનિત નૈયર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત, મયંકભાઈ જોષી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ/પદાધિકારીશ્રીઓ-કર્મચારીઓ, બાળકો સહિત જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિનત રહ્યા હતાં.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other