9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં રજા રહેશે
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રતિવર્ષ 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાપ્ય માહિતી મુજબ સંયુક્ત રાષ્ટ્રને જાણવા મળ્યું કે દુનિયાભરનાં આદિવાસી જૂથો બેરોજગારી, બાળમજૂરી અને અન્ય ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુનાઈટેડ નેશન્સ વર્કિંગ ગૃપ ઓન ઈન્ડિજીનસ પોપ્યુલેશન્સની રચના કરીને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડીસેમ્બર 1994 માં લીધેલાં નિર્ણય અનુસાર દર વર્ષે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સાથેની સંયુક્ત વાતચીત મુજબ સુરત જિલ્લામાં પણ આદિવાસીઓની વસ્તીને ધ્યાનમાં રાખીને સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજાની જાહેરાત કરવામાં આવેલ છે. સંગઠનનાં બંને મિત્રોએ આદિવાસી સમુદાયનાં બાળકો સહિત શિક્ષક ભાઈ-બહેનોને આ દિન વિશેષની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.