તાપી જિલ્લા સભાખંડ ખાતે‘‘હર ઘર તિરંગા” અભિયાન અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

આગામી તા.૧૦ થી ૧૩મી ઓગષ્ટના દરમિયાન યોજાનાર ‘‘હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા માટે સુચારુ આયોજન કરવા અધિકરીઓને સુચના અપાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ તાપી જિલ્લામાં આગામી તા.૧૦મી થી ૧૩મી ઓગષ્ટ-૨૦૨૪ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે.જેના સુચારુ આયોજનના ભાગરૂપે તાપી જિલ્લા સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
અધ્યક્ષ સ્થાને થી જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતુ કે જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, જિલ્લામાં આવેલી ખાનગી ઈમારતો અને વ્યાપારી સંકુલો, શાળાઓ,વ્યક્તિગત ઘરો પર તિરંગો લહેરાશે. “હર ઘર તિરંગા” ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અવસરમાં સૌ સહભાગી બને તે માટે સૌ નાગરિકોને, અધિકારી કર્મચારીઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો.
આગામી તા.૧૦ થી ૧૩મી ઓગષ્ટ દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. દરેક નાગરિકો પોતાના ઘરો પર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ તે અંગે સંકલન કરવાની સુચના આપી હતી. શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવા, તિરંગા યાત્રાના રૂટની પસંદગી સહિતની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઇંચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખ્યાતી પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, નાયબ કલેક્ટરશ્રી તૃપ્તિ પટેલ, પ્રાંત અધિકારી વ્યારા , મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000