ગાયત્રી શક્તિ પીઠ મોર તથા ભગવતી મહિલા મંડળ સુરત દ્વારા ઓલપાડનાં મોર વિભાગની પ્રાથમિક શાળાઓમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની છેવાડાની સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવાનાં હેતુસર ગાયત્રી શક્તિ પીઠ, મોર અને ભગવતી મહિલા મંડળ, સુરત દ્વારા ઓલપાડનાં કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળામાં નિ:શુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોર હાઈસ્કૂલ ટ્રસ્ટ પ્રમુખ દક્ષાબેન બિપીનભાઈ મિસ્ત્રી સહિત જયશ્રીબેન જેરામભાઈ મિસ્ત્રી, નૂરીબેન રસિકભાઈ પટેલ તથા વર્ષાબેન નરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
શિક્ષણયજ્ઞની જ્યોત પ્રજ્વલિત રાખનાર આ દાતાઓએ બાળકોને પોતાનાં હસ્તે નોટબુક વિતરણ કર્યા બાદ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં બાળકો સમક્ષ પ્રેરણાદાયી વાતો રજૂ કરીને તેમને ભણીગણીને સમાજમાં ઊંચું સ્થાન મેળવવાનાં આશીર્વચન પાઠવ્યા હતાં. આ તકે બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દાતાઓ દ્રારા પ્રતિવર્ષ જરૂરિયાતમંદ બાળકો માટે નિ:સ્વાર્થભાવે દાનની સરવાણી વહેતી આવી છે. જે તે શાળાનાં આચાર્યએ દાતાઓનો પરિચય આપી તેમનાં સેવાકીય કાર્યોથી બાળકોને માહિતગાર કર્યા હતાં. અંતમાં મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળાનાં આચાર્ય અનુક્રમે હિતેશ પટેલ, ભાવના સેલર, અંજના પટેલ તેમજ જયેશ વ્યાસે શાળા પરિવાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.