સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલે ઈંગ્લેન્ડની સાહિલ સ્ટાર સી.સી. ક્લબ વતી રમતાં તોફાની બેટિંગ સાથે બેવડી સદી ફટકારી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ ખેલાડી અને હાલ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની વડોલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં પરેશભાઈ પટેલનો સુપુત્ર પ્રિન્સ પટેલ હોનહાર ક્રિકેટર તરીકે ઉભરી રહ્યો છે. સુરત શહેરની એમ.ટી.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં હાલ એમ.એ.પાર્ટ-2 માં અભ્યાસ કરતો પ્રિન્સ અભ્યાસ કરવા સાથે ક્રિકેટની રમતનો જબરો શોખ ધરાવે છે.
માંગરોલ તાલુકાનાં લીમોદરા ગામનાં મૂળ વતની અને હાલ સાયણ ટાઉન ખાતે રહેતાં આ યુવા ક્રિકેટર છેલ્લાં ચાર વર્ષથી ઈંગ્લેન્ડ ખાતે સાવિલ સ્ટાર સી.સી. ક્લબ, લંડન વતી રમી રહેલ છે. ગત વર્ષે તેણે અગિયાર ફિફટી તથા એક સેન્ચુરી સાથે 942 રન ફટકારી ઓરેન્જ કેપ મેળવી પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા સિંહફાળો આપ્યો હતો.
પોતાનાં કાંડાનું કૌવત દેખાડી ક્રિકેટ ક્ષેત્રે એક ઉભરતાં ખેલાડીની ખેલાડીની છાપ ઉભી કરનાર આ ફાંકડા ખેલાડીએ તાજેતરમાં મીનવૂડ સી.સી. ક્લબ સામે રમતાં ધુંઆધાર બેટિંગ કરી 89 બોલમાં 260.67 ની સ્ટ્રાઈક રેટથી 232 રન (25×4, 19×6) બનાવી દર્શકો તથા પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતાં. પ્રિન્સ પટેલની આ તોફાની બેટિંગને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી. ક્રિકેટ ક્ષેત્રે ઉભરતાં આ ખેલાડીની ઉત્તરોત્તર પ્રગતિ માટે માંગરોલ તથા ઓલપાડ પંથકનાં ક્રિકેટપ્રેમીઓ તથા શિક્ષકગણે તેને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)