રાજ્યનું પ્રવાસન વિભાગ ગિરિમથક સાપુતારા ખાતે સંભવિત 28મી જુલાઈથી મોન્સૂન ફેસ્ટિવલનાં નામે નામ પૂરતા કાર્યક્રમો યોજી કરોડોનું આંધણ કરી પોતાના ગજવા ભરશે..!!

સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ માટે કરોડો રૂપિયાનું આંધણ, જ્યારે સાપુતારા ઘાટમાર્ગમાં વારંવાર અકસ્માતમાં વાહન નીચે દબાઈને તરફડીયા મારતા પ્રવાસીઓની સુરક્ષા માટે એક ક્રેનની સુવિધા પણ ઉપલબ્ધ ન કરતા અનેક સવાલો ઉભા થયા છે..!!
ગિરિમથક સાપુતારા ખાતે આવનાર દિવસોમાં કરોડો રૂપિયાના ખર્ચે મોન્સુન ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે, પરંતુ પ્રવાસન વિભાગ કે તંત્ર પાસે ખરા સમયે પ્રવાસીઓનાં અમૂલ્ય જીવનની સુરક્ષા પુરી પાડી શકે તેવી ક્રેનની સુવિધા નથી ..!
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગુજરાત રાજ્યનું ગિરિમથક સાપુતારા તેના કુદરતી સૌંદર્યનાં પગલે જગજાહેર જોવા મળે છે.ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યને માણવા માટે દરેક ઋતુઓમાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડે છે.જેમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે રાજ્ય સરકારનું પ્રવાસન વિભાગ દરેક ઋતુઓમાં ઋતુ આધારીત ફેસ્ટિવલોનું આયોજન કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.જે આવકારદાયક બાબત છે.પરંતુ રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાનાં સાધનો વસાવવાની જગ્યાએ માત્રને માત્ર પ્રવાસીઓ પાસે મનોરંજનનાં નામે ટેક્ષ વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવી પોતાના ગજવા જ ભરતા ફરવા આવતો પ્રવાસી સુરક્ષાનાં નામે બાપડો બિચારો જ રહી જવા પામ્યો છે.વધુમાં પ્રવાસન વિભાગ દ્વારા આજદિન સુધી અહી ફેસ્ટિવલને દિપાવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે કોઈ પણ કાળજી ન લઈ સુરક્ષાનાં સાધનો ઉપલબ્ધ ન કરાવતા સરકારનાં કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યાની બૂમરેંગ ઉઠવા પામી છે.ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સંભવિત 28મી જુલાઈથી મોન્સુન ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે.દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલમાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડી સરકારની આવકમાં વધારો કરે છે.સાથે અહી જેમ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાય છે તેમ પ્રવાસી વાહનોની સંખ્યામાં પણ વધારો થવા પામે છે.જેના કારણે સાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માતોની વણઝાર જોવા મળે છે.જોકે સાપુતારા ઘાટમાર્ગમાં અક્સ્માતનાં સમયે બચાવની કામગીરી કરવા માટે પ્રવાસન વિભાગ કે વહીવટી તંત્ર પાસે મોટી ક્રેનની પણ સુવિધા ઉપલબ્ધ નથી. તેવામાં ખરા સમયે મહારાષ્ટ્રનાં નાસિક, ડીંડોરી અને નવસારી જિલ્લાનાં વાંસદા અને ચીખલીથી ક્રેન બોલાવવી પડે છે.અને દૂરથી ક્રેન આવવાનો સમય લાગતા દબાયેલ પ્રવાસીઓ તરફડીને મોતને ભેટે છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ મોન્સૂન ફેસ્ટિવલનાં નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરી શકે છે.ત્યારે આ જ ફેસ્ટિવલને દિપાવનાર પ્રવાસીઓનાં સુરક્ષાની કદર નથી ?શુ ગુજરાત પ્રવાસન વિભાગને માનવીનો જીવ વ્હાલો નથી માત્રને માત્ર વિકાસનાં નામે તાયફાઓ કરી ગજવા જ ભરવામાં રસ હોય તેવુ પ્રતિત થઈ રહ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે ડાંગ જિલ્લા સહિત સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓમાં વધારો થવા પામ્યો છે.જેના કારણે અવારનવાર અકસ્માત પણ સર્જાતા હોય છે.અને અનેકનાં ક્રેનની સુવિધા ન હોવાનાં પગલે જીવ પણ ગયા છે.છતાંય વારંવાર બનતા અકસ્માતમાં બચાવ કામગીરી કરવા માટે પ્રવાસન વિભાગ તથા વહીવટી તંત્ર પાસે એક ક્રેનની પણ સુવિધા ઉપલબ્ધ નથી.વધુમાં પ્રવાસન વિભાગ તથા વહીવટી તંત્ર પાસે મોટી એક પણ ક્રેન ની સુધ્ધા સુવિધા નથી.ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજય સરકાર દ્વારા ફેસ્ટિવલોનાં નામે જે લાખો – કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો ખર્ચ ક્યાં થાય છે ? શું પ્રવાસન વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા આ નાણાનો વેડફાટ કરવામાં આવે છે ? અથવા તો પોતાના ખિસ્સા ભરી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ? આવા અનેક સવાલ સાથે પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર ઘેરાતું જોવા મળી રહ્યું છે.ત્યારે રાજ્યનું પ્રવાસન વિભાગ ફેસ્ટિવલની સાથે સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે સુવિધાઓ ઉભી કરે તેવી માંગ ઉઠી છે..