ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠકમાં અરેઠનાં એરિક ખ્રિસ્તીનું વિશેષ સન્માન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં સુરત જિલ્લાનાં કામરેજ ચારરસ્તા, નેશનલ હાઈવે સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સભામાં રાજયભરનાં શિક્ષક સંઘનાં આગેવાનો સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તેમજ જિલ્લા અને તાલુકા સંઘનાં હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.
સદર સભાનાં એજન્ડા મુજબ ચાલુ ટર્મમાં નિવૃત્ત થયેલાં રાજયસંઘનાં વિવિધ હોદ્દેદારોનું વિશેષ સન્માન કરવાનું ઠરાવેલ હતું. જે સંદર્ભે સુરત જિલ્લાનાં માંડવી તાલુકાની વેગી પ્રાથમિક શાળામાંથી ફરજ નિવૃત્ત થયેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ એવાં એરિકભાઈ ખ્રિસ્તીને સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાનાં હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે એરિકભાઈએ તાલુકા, જિલ્લા સહિત રાજ્ય સંઘની કામગીરીની સરાહના કરી મંચસ્થ મહાનુભવોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.