નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત નાનીવેડ સ્થિત આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક-187 માં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત નાનીવેડ સ્થિત આચાર્ય હેમચંદ્રસૂરી પ્રાથમિક શાળા ક્રમાંક-187 માં બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાઢગળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે, બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિથી અવગત થાય ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય તે છે.
પ્રતિવર્ષ શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે. આ સંદર્ભે શાળાનાં સામાજિક વિજ્ઞાન વિષયનાં શિક્ષક કેતનભાઈ સુરતી દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા મુજબ જાહેરનામું, ઉમેદવારનું ફોર્મ ભરવાની, પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી.
સદર બાળ સંસદની ચૂંટણીમાં મતદાર તરીકે ધોરણ 5 થી 8 નાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઉમેદવારીપત્ર ભરી પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણીનાં દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરેની નિમણૂક સહિત અલાયદા મતદાન મથકની જોગવાઈ કરવામાં આવી હતી. હતી. શાળાનાં ઉપશિક્ષક કાંતિભાઈ પટેલે ટેક્નિશિયનની ભૂમિકા અદા કરી મોબાઈલ એપ દ્વારા કંટ્રોલ યુનિટ, બેલેટ વગેરેની વ્યવસ્થા કરી હતી.
મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સૌથી વધારે મત ધોરણ 8 માં અભ્યાસ કરતાં પ્રેમ નારાયણલાલ મેવાડાને મળતાં તેને શાળાનાં મહામંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. અંતમાં શાળાનાં આચાર્યા શ્રીમતી ભારતીબેન ગોહિલે સમગ્ર ચૂંટણી સ્ટાફ અને મતદારોનો આભાર વ્યક્ત કરી વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.