ડાંગમાં જિલ્લા કક્ષાનું “વિધા સમીક્ષા કેન્દ્ર (VSK)-2.0” નો વઘઈ ખાતે પ્રારંભ કરાયો
વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે “વિધા સમીક્ષા કેન્દ્ર (VSK)-2.0” ખુલ્લુ મુકાયું
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. ૧: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧માં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું “વિધા સમીક્ષા કેન્દ્ર” શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાંથી રાજ્યભરની શાળાઓનું મોનિટરીંગ કરવામાં આવતું હતું. પરંતુ એક સ્થાનેથી સમગ્ર રાજ્યની શાળાઓનું મોનિટરીંગ કરવા સાથે દરેક શાળાઓને પુરતો ન્યાય આપવામાં મુશ્કેલ થતી હતી.
જે ધ્યાને લઇ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ “વિધા સમીક્ષા કેન્દ્ર” શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ ડાંગ જિલ્લાના વઘઇ સ્થિત ડાયેટ ખાતે, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના હસ્તે જિલ્લા કક્ષાનું “વિધા સમીક્ષા કેન્દ્ર” ખુલ્લુ મુકાયું હતુ.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતુ કે, વિધા સમીક્ષા કેન્દ્રથી ડાંગ જિલ્લાના વિધાર્થીઓની નિયમિતતામાં વધારો થશે. સાથે જ શૈક્ષણિક ગુણવત્તામાં પણ અભિવૃદ્ધિ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ડાંગ જિલ્લાની તમામ શાળાઓ સાથે વિધા સમીક્ષા કેન્દ્રથી લાઈવ સંવાદ કરી શકાશે. તેમજ જિલ્લાના વિધાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકાશે.
વિધા સમીક્ષા કેન્દ્રથી વર્ગખંડનું મૂલ્યાંકન, વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ જેવી કે એકમ કસોટી (PAT), સત્રાત કસોટી (SAT) વગેરે ડેટાનુ વેરીફીકેશન અને એનાલીસીસ થશે. તેમજ વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક પરિણામોમા સુધારો, ગુણવત્તા સુધારવા અને પાયાના સ્તરની ગુણવત્તા સુધારવા માટે ઉપયોગી બનશે.
આ પ્રસંગે ડાયેટના પ્રાચાર્યશ્રી ડો. બી.એમ.રાઉતે વિધા સમીક્ષા કેન્દ્રની વિસ્તૃત માહિતી અને તેની કાર્યરીતિની સમજ આપી હતી. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે પધારેલ શ્રી વિજયભાઈ દેશમુખે શિક્ષણની ગુણવત્તા સુધારવા વિધા સમીક્ષા કેન્દ્રની ભૂમિકાથી સૌને વાકેફ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ગુજરાત આદિજાતિ યુવા મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–