ડાંગ જિલ્લામાં યોજાયેલા ‘રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ દરમિયાન નવા ૩૫ દર્દીઓ નોંધાયા
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૩૦: ગત તા.૧૦મી જૂન ૨૦૨૪ થી ડાંગ જિલ્લામાં ‘રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ ચાલી રહ્યો હતો. જેમાં રક્તપિત્તના દર્દીઓની શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ લખાય છે ત્યાં સુધી ૩૫ જેટલા નવાં દર્દીઓ ડાંગ જિલ્લામાં નોંધાવા પામ્યા છે.
જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત તરફથી મળેલી વિગતો અનુસાર, સમગ્ર ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોમાં નોંધાયેલ ૨ લાખ ૮૧ હજાર ૦૩૯ થી વધુ વસ્તીને આવરી લેતા, ઘરેઘર જઇને તમામ સભ્યોની સંપુર્ણ તપાસણી આ કાર્યક્રમ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
આ માટે ગામની આશા અને એક વોલેંટિયર મળી કુલ ૩૩૪ ટીમોને તાલીમબધ્ધ કરી, રક્તપિત્તના છુપા દર્દીઓની શોધ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન અત્યાર સુધી ડાંગ જિલ્લાના ૧ લાખ ૮૬ હજાર ૪૮૦ વ્યક્તિઓની પૂર્ણ કરાયેલી તપાસણી દરમિયાન સર્વેલન્સ ટીમ દ્વારા કુલ ૨૩૬ શંકાજનક દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાની નિષ્ણાંત ટીમ દ્વારા શોધાયેલ આ શંકાજનક દર્દીઓની તપાસ કરતા, તે પૈકી અત્યાર સુધીમાં કુલ ૩૫ જેટલા નવા રક્તપિત્તના દર્દીઓ નોંધી, ત્વરીત સારવાર શરૂ કરવામા આવી છે.
આ કેમ્પેઇન દરમ્યાન વધુમાં વધુ લોકોને તપાસણી હેઠળ આવરી લેવા પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો થકી, જન સમુદાયને આ અંગે જાગૃત કરવામાં આવે છે, અને ઘરના કોઇ પણ સભ્ય તપાસથી વંચીત ન રહી જાય તે માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ, સમગ્ર કામગીરીનું જિલ્લા કક્ષાએથી સતત સુપરવિઝન/મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઝુંબેશની કામગીરીનું રાજ્યકક્ષાની SHSRC ટીમ દ્વારા જિલ્લાના આહવા, વઘઇ, અને સુબીર તાલુકાના ગામોમાં સ્થળ પર જઇને કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમ, જિલ્લા લેપ્રસી અધિકારીશ્રી ડૉ.સતીષ ભોયે, તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત દ્વારા એક અખબાર યાદીમાં જણાવાયુ છે.
–