ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા મહોત્સવ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાતનાં શિક્ષણ વિભાગ પ્રેરિત શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી રથયાત્રા મહોત્સવની ઉજવણી ઓલપાડનાં પાણી પુરવઠા વિભાગનાં ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર સંકેત પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભક્તિબેન ગોરાણી, સરપંચ હેમલતાબેન ગોરાણી, ગ્રામ પંચાયત સભ્યો, તલાટી કમ મંત્રી, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યા હતાં. શાળાનાં મુખ્યશિક્ષક નિલેશભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો.
કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે બાલવાટિકા તથા ધોરણ 1 માં પ્રવેશપાત્ર ભૂલકાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે શાળામાં કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ રાઠોડની ગ્રાન્ટમાંથી 5 લાખનાં ખર્ચે તૈયાર થયેલ સેનીટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અત્રે યોજાયેલ સાહિત્ય પ્રદર્શનને નિહાળી સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં વસ્તુ સ્વરૂપે અંદાજીત કિંમત ₹ 25,000 નું માતબર દાન પ્રાપ્ત થયું હતું. ઉપરાંત દાતા મનિષભાઈ ચૌહાણ તરફથી કબાટ સહિત બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 નાં તમામ બાળકો માટે શૈક્ષણિક કીટ દાન સ્વરૂપે મળી હતી. નિવૃત્ત આચાર્ય મહેશભાઈ પટેલ તરફથી ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયેલ બાળકોનાં પ્રોત્સાહક ઈનામ માટે ₹ 4000, ઉમેશભાઈ અને પિયુષભાઈ તરફથી નોટબૂક માટે ₹ 5000 જ્યારે ગામનાં સરપંચ હેમલતાબેન ગોરાણી તરફથી તિથિ ભોજન માટે ₹ 3000 દાનપેટે મળ્યા હતાં. અંતમાં શાળાનાં ઉપશિક્ષક ગિરીશભાઈ ચૌહાણે શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other