બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ઓલપાડ તાલુકામાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને પહેલાં ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને દાખલ કરીને રાજય સરકારે અમલી બનાવેલ ‘કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમને સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળ બનાવવા માટે સુચારુ આયોજન કરવામાં આવેલ છે.
રાજય સરકાર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમને ચાલુ વર્ષે પણ પાછલા વર્ષોની જેમ જ ભવ્ય સફળતા મળે એ હેતુસર તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ દ્રારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની તમામ શાળાનાં મુખ્યશિક્ષકો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ તથા લાયઝન મિત્રો જોડાયા હતાં. વી.સી. અંતર્ગત આ ત્રિદિવસીય કાર્યક્રમને સો ટકા સિધ્ધિ હાંસલ કરવાનો આખરી ઓપ અપાયો હતો.
તારીખ 26 થી 28 જૂન દરમ્યાન યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની 105 પ્રાથમિક શાળાઓ, 2 આશ્રમશાળાઓ, 1 જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ તથા 14 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કુલ 12 રૂટમાં વહેંચી દેવામાં આવી છે. જે પૈકી એક રૂટ ઉપર ઓલપાડનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, પાણી પુરવઠા, ક્લાઇમેટ ચેન્જ) ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે અન્ય બે રૂટ ઉપર રાજયકક્ષાનાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તદ્ઉપરાંત સરકારશ્રી ધ્વારા નિયુકત અધિકારીશ્રીઓ, પદાઅધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમ નિયત શાળાઓમાં હાજરી આપી બાળકોને વિધિવત પ્રવેશ કરાવશે.
કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 માં 251 બાળકો, બાલવાટિકામાં 943 બાળકો તથા આંગણવાડીમાં અંદાજીત 236 બાળકો સહિત ધોરણ 9 માં 1623 જ્યારે ધોરણ 11 માં 1187 જેટલાં વિદ્યાર્થીઓને વિધિવત પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ પામનાર દરેક બાળકને દાતાઓ તરફથી તિથિ ભોજનનાં આયોજન સહિત દફ્તર તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવશે. દરેક શાળાઓમાં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબરે ઉત્તિર્ણ થયેલ બાળકોને ઉપસ્થિત મહાનભવોનાં હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવશે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.