તાપી જિલ્લામાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી
દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે “વિશ્વ યોગ દિવસ” ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ :- તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે આજરોજ વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થનાર છે. જ્યાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વફલક ભારત દેશની પરંપરાગત યોગવિદ્યાને ખ્યાતિ અપાવી છે. આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે, ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા-કોલેજ-આઈટીઆઈના વિદ્યાર્થીઓ, યુવાનો સહિત જિલ્લાના યોગપ્રેમીઓ વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે અદમ્ય ઉત્સાહથી યોગ કરીને જિલ્લાને યોગમય બનાવશે.
ઉપરાંત, જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાએ યોગ દિવસની ઉજવણી કરશે. તેમજ ઉકાઇ ડેમ, આંબાપાણી અને પદમડુંગરી સહિતના ઇકોટુરિઝમ (પર્યટન સ્થળો) એ આવતા પ્રવાસીઓ પણ યોગ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
000