એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં કીમ કેન્દ્ર સંલગ્ન સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ છવાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. જેમાં કીમ નગરની પી.કે. દેસાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર ટકાવારી પ્રાપ્ત કરી પોતાની શાળા, પરિવાર, સમાજ સહિત કીમ ગામનું નામ રોશન કરેલ છે.
કીમ નગરનાં મધ્યમવર્ગીય પરિવારનાં તેજસ્વી વિદ્યાર્થી સિધ્ધાત્રી કૃષ્ણકુમાર તિવારી શાળા કક્ષાએ પ્રથમ સ્થાન (93.00 %, PR 98.46), અરૂણ દામોદર પટેલ દ્વિતીય સ્થાન (90.16 %, PR 96.51) જ્યારે ધ્રુવિક રમેશભાઈ પ્રજાપતિએ તૃતિય સ્થાન (90.00 %, PR 96.37) હાંસલ કરેલ છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિને પગલે કીમનાં કેન્દ્રાચાર્ય દિનેશ પટેલ તથા કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે આનંદ અને ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે મધ્યમવર્ગીય પરિવારનાં આ વિદ્યાર્થીઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અમારી સરકારી પ્રાથમિક શાળામાં જ પ્રાપ્ત કર્યુ હતું જે અમારા માટે ગર્વની વાત છે. પોતાની ધગશ અને મહેનતનાં પરિપાકરૂપે તેમણે મેળવેલી સિદ્ધિ ખરેખર અભિનંદનને પાત્ર છે જે અન્ય વિદ્યાર્થીઓ માટે ચોક્કસ પ્રેરણારૂપ બની રહેશે. આ ત્રણેય વિદ્યાર્થીઓને કઠોદરા, મુળદ અને કીમ પ્રાથમિક શાળાનાં આચાર્ય ડૉ. યજ્ઞેશ પુરોહિત, ભૂપેન્દ્ર પટેલ તથા દિનેશ પટેલ સહિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કીમ વિભાગનાં કારોબારી સભ્ય સતિષ પરમારે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.