માંગરોલનાં બીઆરસી ભવન ખાતે આગામી શાળા પ્રવેશોત્સવ અને શૈક્ષણિક આયોજન અર્થે તાલુકાનાં તમામ મુખ્યશિક્ષકોની મિટિંગ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા તથા બ્લોક રિસોર્સ સેન્ટર, માંગરોલ આયોજીત મુખ્યશિક્ષકોની મિટિંગ બી.આર.સી.ભવન, માંગરોલ ખાતે યોજાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ મિટિંગમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઇન્ચાર્જ તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી તથા હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઇન્ચાર્જ તાલુકા શિક્ષણાધિકારી વિરલભાઈ ચૌધરી ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી શાબ્દિક સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે માત્ર પગાર પૂરતી નોકરી કરે એ શિક્ષક ન કહેવાય, સમય સાથે ચાલે, સમયને સાચવે અને રોજ નવું શીખતો રહે તે શિક્ષક કહેવાય. વર્તમાન સમયમાં શિક્ષણનાં નવા પ્રવાહની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારે મેં બાળકો માટે શું કર્યું તે શિક્ષક માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી જયેશભાઈ પટેલે તું તારું જો, જે વહેંચે તેને વધુ મળે, મનમાંથી નકારાત્મક ગ્રંથિ કાઢી નાખો, હંમેશા હકારાત્મક વિચાર રાખો જેવાં પ્રેરણાત્મક દષ્ટાંતો રજૂ કરી વાતાવરણ આનંદિત કરી દીધું હતું.
સદર મિટિંગમાં ઉપસ્થિત તાલુકાનાં મુખ્યશિક્ષકોને શાળા પ્રવેશોત્સવ તથા તેનાં આયોજન, જર્જરિત ઓરડા, ફાયર સેફ્ટી, ઓનલાઇન કામગીરી, વિવિધ તાલીમ ઉપરાંત શાળાનાં સર્વાંગી વિકાસ બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. અંતમાં આભારવિધિ બી.આર.સી. કો-ઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડે આટોપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઐયુબખાન પઠાણે કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.