કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન અને હરીફાઇ કાર્યક્રમ યોજાયો
૮૦થી વધુ ખેડુતોએ કાર્યક્રમમાં ભાગ લઈ ૪૫ જેટલી જાતની કેરીઓને પ્રદર્શિત કરી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-તાપી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ કેમ્પેન અંતર્ગત આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન અને હરીફાઇ યોજાઇ હતી. જેમાં તાપી જિલ્લાના ૮૦થી વધુ આંબા પાક કરતા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં કેરી પ્રદર્શન અને હરીફાઇમાં વિવિધ ૪૫ જેટલી જાતની કેરીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં એકથી ત્રણ ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી,રોગ નિવારણના પગલાઓની વિગતો આપી હતી.
આ પ્રસંગે, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ.,નવસારીના ડૉ. એન. એમ. ચૌહાણે તાપી જિલ્લાના કુદરતી વાતાવરણમાં થતા પ્રચલિત ફળપાકો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.વધુમાં તેમણે આંબાની પ્રચલિત જાતોનો વિસ્તાર વધારવા તેમજ આંબાની સોનપરી જેવી નવીન જાતો વિશે અવગત થઇ વાવેતર કરવાં ખેડૂતોને આહવાન કર્યુ હતુ.વધુમાં તેમણે સૌ ખેડુતમિત્રોને હલકા ધાન્યપાકોના માનવ આરોગ્ય માટેના ફાયદાઓ વિશે સમજણ આપી હતી.
કે.વિ.કે.ના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ બધા મહેમાનોને આવકારી લેતા આંબા પાક પરિસંવાદનો હેતુ સમજાવી ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીના પરીયા કેન્દ્ર ખાતેથી વિકસાવેલી આંબાની જાત સોનપરી વિશે ખેડૂતોને સમજાવી સોનપરી જાત અપનાવવા હાંકલ કરી હતી. નાયબ બાગાયત નિયામકશ્રી તુષાર ગામીત, દ્વારા બાગાયતી પાકોમાં વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. વધુમાં તેમણે ફળપાકોમાં મૂલ્ય વર્ધન વિશે જાણકારી આપી તેમાં સરકારી યોજના થકી લાભો વિશે ખેડૂતોને અવગત કર્યા હતા.
ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા આંબાની વૈજ્ઞાનિક ખેતી,નવીન જાતોના વાવેતર પધ્ધતિ તેમજ આંબા પાકમાં સરકારી યોજનાઓ વિશે સમજ પુરી પાડી હતી. વૈજ્ઞાનિક (પાક સરંક્ષણ)ડૉ.એચ.આર.જાદવ દ્વારા આંબામાં આવતા રોગો અને જીવાતોનાં નિયંત્રણ બાબતે લેવામાં આવતાં વિવિધ પગલાંઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતુ. તેમજ ઉપસ્થિત મહેમાનો સહિત ખેડૂતોએ કેરીની જુદી જુદી જાતોનું પ્રદર્શન નિહાળ્યુ હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે રવિ સાવલિયા, બાગાયત અધિકારી દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.આ પ્રંસગે કેવીકે અને બાગાયત વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
0000