ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડતા સમગ્ર પંથકનાં ઠંડકતાની શીત લ્હેર વ્યાપી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગુરુવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયા વાતાવરણ બાદ અમુક ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકામાં છૂટો છવાયો તો અમુક ગામડાઓમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડ્યો હતો. જ્યારે આહવા,સુબિર તથા વઘઇ પંથકનાં ગામડાઓમાં જોરદાર પવન ફૂંકાયો હતો. ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં ગુરુવારે ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. જ્યારે ગલકુંડ સહિત સરહદીય પંથકનાં ગામડાઓમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ સર્પગંગા તળાવનું બોટિંગ, ટેબલ પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન, વન કવચ, રોઝ ગાર્ડન સહિતનાં સ્થળો તાજગી સાથે નિખરી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.