‘સક્ષમ શાળા’ અંતર્ગત સુરત જિલ્લા તમામ સીઆરસી કો-ઓર્ડિનેટર્સ માટે દ્રિદિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા ગાંધીનગર, ગુજરાતની પ્રેરણા અને યુનિસેફનાં સહયોગથી સમગ્ર શિક્ષા, સુરત દ્વારા જિલ્લાનાં તમામ તાલુકાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ માટે ‘સક્ષમ શાળા’ અંતર્ગત દ્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કામરેજ તાલુકાનાં વલથાણ ગામ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
યુનિસેફ દ્વારા વિકસસાવવામાં આવેલ આ ‘સક્ષમ શાળા’ પહેલનાં સ્વચ્છ, હરિત, સલામત અને સ્થાયી જેવાં 4 મુખ્ય ક્ષેત્રો અને તેનાં 12 પેટા ક્ષેત્રો જેવાંકે પાણી, શૌચાલય, આરોગ્યરક્ષણ, હવા, જમીન, ઊર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન અને સમાવેશ વિષયો ઉપર તજજ્ઞોએ ઉંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતાં. બંને દિવસોએ તમામ તાલુકાઓનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ તથા ટી.આર.પી. મિત્રોએ તજજ્ઞ તરીકે પોતપોતાની આગવી ભૂમિકા અદા કરી હતી.
સદર તાલીમ વર્ગમાં સંપૂર્ણપણે શાળા અને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદર્ભે તાલીમાર્થીઓ સમક્ષ ફાયર સેફ્ટી સંબંધિત ડેમોસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. તદુપરાંત તાલીમનાં ભાગરૂપે અત્રેનાં શાળા કેમ્પસમાં તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગનાં બીજા દિવસે પરસ્પર પ્રશ્નોત્તરી સાથે તાલીમાર્થીઓ દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર મનિષ શાહ તથા આસિસ્ટન્ટ આર્કિટેક્ટ આયુષી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તા. 10 અને 11 જૂન દરમિયાન યોજાયેલ આ દ્રિદિવસીય તાલીમ વર્ગ QEM કો-ઓર્ડિનેટર નારણ જાદવનાં યોગ્ય સંકલન થકી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.