સુરતની શ્રી પટેલ પ્રગતિ મંડળની વાડી ખાતે સ્વ. ભગુ વિમલની પ્રતિમાની અનાવરણવિધિ કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષિત, નીડર, હોંશિયાર, પ્રામાણિક, સ્પષ્ટવક્તા, નિખાલસ, નિરાભિમાની મિલનસાર, સજ્જન અને લોકપ્રિય વ્યક્તિ એટલે સ્વ. ભગુભાઈ ગોમાનભાઈ પટેલ (વિમલ). સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તારનાં પારડીઝાંખરી ગામનાં વતની એવાં સ્વ. ભગુભાઈએ પોતાની યુવાની સુધી અનેક કષ્ટ વેઠ્યા. આમ છતાં તેમણે પોતાનાં અડગ મનોબળનાં પ્રતાપે સામાજિક, સહકારી તેમજ રાજકીય ક્ષેત્રે ગણનાપાત્ર વ્યક્તિત્વ સ્થાપિત કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવી તળપદા કોળી પટેલ સમાજનું સમગ્ર રાજય સહિત રાષ્ટ્રીય ક્ષેત્રે નામ રોશન કર્યુ.

જીવનપર્યત સમાજની સેવાકીય પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેલ સ્વ. ભગુભાઈ સને 1996-1997 માં ગુજરાત સરકારનાં કેબિનેટ કક્ષાનાં વન અને પર્યાવરણ, ટેકનીકલ (શિક્ષણ) મંત્રી બન્યાં. તેમનાં અથાગ પ્રયત્નોનાં પરિપાકરૂપે સુરત શહેરનાં જોગાણીનગર ખાતે કોળી સમાજ માટે આશીર્વાદરૂપ શ્રી પટેલ પ્રગતિ મંડળ નામક સમાજવાડી નિર્માણ પામી. શ્રી પટેલ પ્રગતિ મંડળ, મુંબઈ અને સુરતનાં આજીવન ટ્રસ્ટી તરીકે સતત 22 વર્ષ સુધી દીર્ધકાલીન સેવા આપનાર સ્વ. ભગુભાઈને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પવાનાં ભાવ સાથે મરણોત્તર સન્માન સ્વરૂપે મંડળનાં ટ્રસ્ટીઓ દ્વારા શ્રી પટેલ પ્રગતિ મંડળ, જોગાણીનગર ખાતે સ્થાપિત તેમની પ્રતિમાનાં અનાવરણવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સને 2000 થી 2022 સુધી ટ્રસ્ટી તરીકે સમાજની પ્રગતિમાં યોગદાન, માર્ગદર્શન અને ઉમદા સેવા આપનાર ભગુ વિમલનાં હુલામણા નામથી જાણીતા આ સ્વર્ગસ્થની પ્રતિમાની અનાવરણવિધિ તેમનાં ધર્મપત્ની ભાનુબેન પટેલની અધ્યક્ષતામાં તેમનાં પરિવારજનો, પટેલ પ્રગતિ મંડળ સુરત-મુંબઈનાં ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારો અને કારોબારી સભ્યો તથા સમાજનાં વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
શ્રી પટેલ પ્રગતિ મંડળનાં અધ્યક્ષ ચંદુભાઈ પટેલે પ્રારંભે શબ્દગુચ્છથી ઉપસ્થિત મહાનુભવો સહિત સૌને આવકાર્યા હતાં. આ પ્રસંગે શ્રી પટેલ પ્રગતિ મંડળની વાડી, સુરતનાં પ્રમુખ જ્યંતિભાઈ પટેલ, ધી પુરુષોત્તમ ફાર્મસનાં પ્રમુખ મનહરભાઈ પટેલ, ગુજરાત સરકારનાં માજી મંત્રી કરસનભાઈ પટેલ, નિવૃત્ત નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધનસુખભાઈ પટેલ સહિત કમલેશભાઈ સેલરે પોતપોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સ્વ. ભગુભાઈ પટેલની નિ:સ્વાર્થ જીવનયાત્રાની સરાહના કરી તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતમાં સ્વ. ભગુભાઈનાં આદર્શોનાં પગલે મંડળનાં અપેક્ષિત ઉત્કર્ષનાં વિશ્વાસ સાથે જયંતિભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *