ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા શૈક્ષણિક તથા ઈતર પ્રવૃત્તિઓનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણને ગુણવત્તાસભર બનાવી શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે થકી સરકારી પ્રાથમિક શાળાઓમાં અદ્યતન ભૌતિક સુવિધાઓ જોવા મળી રહી છે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં ઘણા સમયથી બાળકોનાં નિરંતર વિકાસ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે ત્યારે ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત મીરજાપોર ગામની પ્રાથમિકમાં બાળકો દ્વારા પોતાનાં વાર્ષિક પરીક્ષાનાં રિઝલ્ટ બાદ પોતાની શાળાનાં ગુણવત્તાસભર શિક્ષણ તથા અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા વાલીજનો સહિત સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાનાં મુખ્યશિક્ષિકા અંજના પટેલનાં માર્ગદર્શન હેઠળ બાલવાટિકાથી લઈ ધોરણ 1 થી 8 નાં બાળકોએ શાળાની વિવિધ ઈનોવેટીવ એક્ટિવિટીઝ સાધનિક પુરાવા સાથે રજૂ કરી હતી. બાળકોની છટાદાર તથા ઉત્સાહપૂર્વકની રજૂઆતને જોઈ સાંભળી સૌ અભિભૂત થયા હતાં. ટૂંકમાં આ બાળકોએ ગામની જ સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લેવા સૌને આહવાન કર્યુ હતું.
શાળાનાં ઉપશિક્ષિકા સોનલ બ્રહ્મભટ્ટે આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં સરકારી પ્રાથમિક શાળાઓ સંપૂર્ણપણે ભૌતિક સુવિધાયુક્ત બની છે. કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ જેવી સુવિધાઓથી શિક્ષણ અદ્યતન બન્યું છે. તેમણે વાલીઓને ખાનગી શાળાનો મોહ છોડીને પોતાનાં બાળકોને ઘરઆંગણે ભણાવવા અનુરોધ કર્યો હતો. આ તકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલે શાળા પરિવારનાં આ સરાહનીય પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમનાં અંતે તમામ માટે પૌષ્ટિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.