ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને અત્રેનાં બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે મળી હતી. આ પ્રસંગે મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલ, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ તથા બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સૌ કારોબારી સભ્યોને શાબ્દિક આવકાર આપી સભાની સંક્ષિપ્ત માહિતી આપી હતી. મંડળીનાં બીજા જોઈન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે ગત સભાનાં એજન્ડાનું વાંચન કર્યુ હતું જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે મંડળીનું સને 2023/24 નાં નાણાંકીય વર્ષનું આવક-જાવક સરવૈયુ રજૂ કર્યુ હતું.
પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલે મંડળીનાં ત્રણેય સેક્રેટરીઓની પારદર્શક કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે આ તકે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મંડળીનાં શતાબ્દિ વર્ષની ઉજવણી કરવાનું વિશેષ આયોજન છે. આ તકે તેમણે આગામી તા. 22/6/2024 નાં રોજ મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવા અંગે જાહેરાત કરી હતી. અંતમાં મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી.
