તાપી જિલ્લા ચૂંટણી તંત્રની અનોખી પહેલ ‘Know Your Polling Station’
મતદાન મથક સહિત મતદાન મથકે ઉભી કરાયેલી સુવિધાઓ અંગે મતદારોને માહિતગાર કરાયા
–
જિલ્લા ચૂંટણી તંત્રનો પ્રયાસ પરિણામલક્ષી : બહોળા પ્રમાણમાં નાગરિકો સહભાગી થયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને તાપી જિલ્લાના નાગરિકો મહત્તમ મતદાન કરીને લોકશાહીના આ પર્વને સફળ બનાવે તે માટે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ધારા પટેલના નેતૃત્વમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે.
ચૂંટણીમાં નવા મતદારો, યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ સિનિયર સીટીઝન વધુમાં વધુ પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તાપી જિલ્લામાં આજરોજ ‘Know Your Polling Station’ મતદાન જાગૃતિ કેમ્પેઈન હાથ ધરાયુ હતું. સઘન કેમ્પેઇનમાં બુથ પર હાજર બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન મથક, મતદાર ક્રમાંક સહિત ત્યાંની પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર સહિતની સુવિધાઓથી અવગત કરાયા હતા.
મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી પણ મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી રહી છે. ટૂંકમાં ચૂંટણી તંત્રના સઘન પ્રયાસોને જોતા ઇચ્છનીય છે કે તાપી જિલ્લાના નાગરિકો જાગૃત થઈને મતદાનના દિવસે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરી આવે અને લોકશાહીના આ પર્વને સફળ બનાવે.
000