ચૂંટણીના માહાપર્વમાં નાગરિકોની સો ટકા ભાગીદારી સુનિશ્ચિત કરવાના સુદ્રઢ પ્રયાસો કરતું તાપી જિલ્લા ચૂંટણી તંત્ર
“આવો સૌ મતદાન કરીએ, હું તો મતદાન કરીશ જ”
–
તાપી જિલ્લાના ગામે-ગામ નાગરિકોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 26 :લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને અનુલક્ષીને વ્યારા તાલુકાના લખાલી ગામે “મને જોઈએ જો મારો હક, તો નિભાવવી પડશે મારી ફરજ” ના સ્લોગન સાથે ગ્રામજનોને મતદાન જાગૃતિનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો હતો. સોનગઢ તાલુકાની સરકારી માધ્યમિક શાળા નાના કાકડકુવાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના સહયોગથી ગ્રામજનોને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.
ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ખાતે આવો “સૌ મતદાન કરીએ, હું તો મતદાન કરીશ જ”, “ગો વોટ” ના પોસ્ટરો થકી ગ્રામજનોને મતાધિકારનો ઉપયોગ કરીને લોકતંત્રને મજબુતી પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો. ડોલવણના ગડત ગામના એગ્રો ખાતે પણ લોકોને મતદાન અંગે જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ટૂંકમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને ચૂંટણીપર્વમાં જોડવા માટે નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલના નેતૃત્વમાં સ્વીપ એક્ટિવિટી સાથે સંકળાયેલા કર્મઠ કર્મીઓ તમામ તાલુકાઓમાં સ્વીપ પ્રવૃત્તિઓ થકી લોકોને મતદાનનું મહત્વ સમજાવી જાગૃત કરી રહ્યાં છે. તાપી જિલ્લામાં સો ટકા મતદાન થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહ્યાં છે.
000