ઓલપાડ નગરનાં ઝાંપા ફળિયા સ્થિત ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી ઉજવવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૃષ્ટિનાં સર્જનકર્તા ગણવામાં આવે છે. સૃષ્ટિનાં પાલનહાર એવાં ભગવાન વિષ્ણુ પૃથ્વીલોકમાં અનેક નામે ભક્તોનાં હૃદયકમળમાં બિરાજમાન છે. જે પૈકી ભગવાન વિષ્ણુ લોકવાયકા મુજબ લક્ષ્મીનારાયણ નામે પણ પ્રચલિત છે. પ્રાચીન નગર ‘ ઉરપદ ‘ કે જે નામ અપભ્રંશ થતાં હાલ ઓલપાડ તરીકે ઓળખાય છે. આ નગરમાં અસ્તિત્ત્વ ધરાવતાં નાનકડાં ઝાંપાફળિયામાં ભગવાન શ્રી લક્ષ્મનારાયણનું પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરની સ્થાપના આજથી 117 વર્ષ પહેલાં સંવત 1963 માં રામચંદ્ર કાશીરામની વિધવા બાઈ મણીગૌરીએ તેમની સુપુત્રીઓ આરવગૌરી અને નિર્મળગૌરીનાં નામે કરી મંદિર ધર્માદામાં અર્પણ કર્યું હતું. સ્થાપના સમયથી ફળિયાની તડકીછાંયડી, શુભાશુભ ઘટનાઓનાં સાક્ષી ભગવાન શ્રી લક્ષ્મનારાયણની પૂજા-અર્ચના ભક્તિભાવપૂર્વક ફળિયાનાં રહીશો આજપર્યંત કરતા રહ્યાં છે. જૂનું મંદિર મહોલ્લાવાસીઓનાં દ્રઢ સંકલ્પ, હકારાત્મક અભિગમ અને દાતાઓનાં સહયોગથી જીર્ણોદ્ધાર પામી નવપલ્લિત થયેલ છે.
આજરોજ સંવત 2080 ચૈત્ર વદ એકમ ને બુધવારનાં રોજ સર્વે ભક્તજનોનાં સુખમય જીવન કાજે ભગવાનની કૃપાદ્રષ્ટિ સદા વરસતી રહે એવાં શુભ ભાવ સાથે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવભર્યા વાતાવરણમાં યોજવામાં આવી હતી. આરંભથી અંત સુધી નિ:સ્વાર્થ ભાવે જહેમત ઉઠાવી સૌ ઝાંપાફળિયાનાં રહેવાસીઓએ સાલગીરીને સાદગીપૂર્ણ રીતે સંપન્ન કરી હતી. આ સાથે સૌએ સમગ્ર જીવસૃષ્ટિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાંપડે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરી હતી.