લગ્નમાં પધારેલા મહેમાનોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવાનો પ્રેરક સંદેશો પાઠવતા સોનગઢના અંકિત ચૌધરી
તાપી જિલ્લામાં મતદાન જાગૃતિની અનોખી પહેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪ તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ તેમજ સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ જાગૃતતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
લોકશાહીના પર્વની ભવ્ય ઉજવણીમાં ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના નાગરિકો પણ તૈયાર છે, ત્યારે તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીશ્રી અંકિતભાઈ આર. ચૌધરી સોનગઢ તાલુકાના ઝાડપાટી ગામના રહેવાસી છે. ૨૦મી અને ૨૧મી મેના રોજ યોજાયેલા લગ્ન પ્રસંગમાં વરરાજા અંકિત ચૌધરીએ હલ્દી, સંગીત, તેમજ લગ્નના દિવસે મહેમાનો તેમજ ગ્રામજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. તાપી જિલ્લા ચૂંટણી તંત્રએ લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં મહેમાનોને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવાની અનોખી પહેલ બદલ અંકિત ચૌધરીના વિચારોને બિરદાવ્યા હતા.
000