સોનગઢના વેપારી વર્ગો-દુકાનદારો મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા
મતદાન કરીશુ અને કરાવડાવીશુ – વેપારીવર્ગો
–
આગામી ૭મી મે ના રોજ મતદાન કરી આવેલ ગ્રાહકો ખરીદી કરે તો તેમને ૭ ટકા જેટલી રાહત આપવામાં આવે તે માટે વેપારીઓ-દુકાનદારોને જાગૃત કરાયા
–
જિલ્લા ચૂંટણી તંત્ર સાથે નાગરિકો-યુવાનો-વેપારી વર્ગોની સહભાગીદારીથી ચૂંટણીનો પર્વ સફળ બનશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા. 07 મે, 2024 ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે અનેકવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરીને આમ જનતામાં મતદાનના મહત્વ વિશે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં વેપારી વર્ગો અને યુવાનો ચૂંટણીના આ પર્વને સફળ બનાવવા માટે લોકોને જાગૃત કરી રહ્યાં છે.
આગામી તા. ૭મી ને ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે માટે સ્વીપ હેઠળ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જે અન્વયે સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ નગરના વેપારીઓ, દુકાનદારોને તેમના હાથ નીચે કામ કરતાં કામદારોને મહત્તમ મતદાન કરે તેમજ મતદાન કરી આવેલ ગ્રાહકો ખરીદી કરે તો તેમને ૭ ટકા જેટલી રાહત આપવામાં આવે તે માટે સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
જ્યાં વેપારીવર્ગો- દુકાનદારોને મતદાનના મહત્વ વિશે સમજ પુરી પાડવામાં આવી હતી. તેમજ ૭ મેના રોજ મતદાન કરીને આવેલ મતદારોને ખરીદી કરે તો ૭% જેટલુ વળતર આપવામાં આવે તે માટે અભિયાન ચલાવી ૧૦૦% મતદાન કરવા માટે સમજ આપવામાં આવી હતી.વેપારી વર્ગોએ પણ અવશ્ય મતદાન કરવા અંગેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વેપારીઓના હાથ નીચે કામ કરતા કારીગરો સહિત ગ્રાહકોને પણ મતદાન અંગે જાગૃત કરવા માટે ભરોસો આપ્યો હતો.
આ તકે ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓએ વેપારીઓને મતદાન કરવા માટેની શપથ લેવડાવી હતી. જેમાં આશરે ૮૦ થી ૯૦ જેટલા વેપારીઓ તેમજ દુકાનદારો હાજર રહ્યા હતા. ચૂંટણીને શાંતિપૂર્ણ અને સફળ બનાવવા ટૂંકમાં તંત્રની સાથે વેપારીવર્ગો-આમ જનતાની સહભાગીદારી નજરે પડી રહી છે.
000