બારડોલી સંસદિય વિસ્તારના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ડો.રાકેશકુમાર ભારતીએ ખર્ચ સબંધિત વિવિધ ટીમોની કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨- ૨૩-બારડોલી સંસદિય વિસ્તારના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ડો.રાકેશકુમાર ભારતી(I.R.A.S.) એ આજરોજ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી ખર્ચ સબંધિત વિવિધ ટીમોની કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.તેમણે મદદનીશ ખર્ચ ઓબ્ઝર્વર અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ સહિત વિવિધ નોડલ ઓફિસરોને સંબોધતા જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે મહત્વનું છે. ચૂંટણી ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીઓ મારા હાથ સમાન છો.ચૂંટણી ખર્ચની મર્યાદા અનુલક્ષીને ઉમેદવારો દ્વારા કરવામાં આવનાર ખર્ચને નિયમાનુસાર નોંધણી કરવામાં આવે અને દરેક ટીમોએ તેમની કામગીરી, રીપોર્ટ અંગેની માહિતી ખર્ચના નોડલને આપવાની રહેશે.
કાર્યક્ષેત્રમાં આવેલી તમામ બેન્કો ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈનને અનુસરે અને મર્યાદાથી વધુ રકમના વ્યવહાર અંગે દરરોજ માહિતી મોકલી આપે. શૂન્ય માહિતી હોય તો પણ દરરોજ આપવી જેથી સચોટ અહેવાલ સાદર કરી શકાય. તમામ ટીમોની તાલીમ વિગેરે પૂર્ણ થઈ ગઈ હશે. તેમ છતા કોઈ ટીમોની માર્ગદર્શનની જરૂર હોય તેઓ આજે ફરીથી તાલીમ લઈ સુસજ્જ થવાનું રહેશે.
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી ભારતીએ તમામ ટીમોથી અવગત રહી FST/SST/VST/VVT/ MCMC/ MCC વિગેરે ટીમોએ કરેલી કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી ટીમોએ શું શું કામગીરી કરી તે વિગતો મેળવી હતી. પુરતો સ્ટાફ ફાળવવામાં આવેલ છે કે નહીં તેની ચકાસણી કરી હતી. બીજા જિલ્લા સાથે પણ વિધાનસભાની સીટો હોઈ ક્યાંય કોમ્યુનિકેશન ગેપ રહી ન જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સમીક્ષા બેઠક બાદ વિવિધ ટીમોની કામગીરી નિહાળી હતી. MCMC કંટ્રોલરૂમમાં મીડિયા મોનીટરીંગ સ્ટાફની કામગીરી,મદદનીશચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવારોના ફોર્મ વિતરણ વિગેરે કામગીરી નિહાળી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ભારતીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે તાપી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતનું વર્ણન કરી ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટેટીક સર્વેલન્સ ટીમને તાપી જિલ્લાની ચેકપોસ્ટ ઉપર ચેકીંગ કરવું વિગેરે માહિતી આપી હતી. તેમજ ખર્ચ સબંધિત તમામ ટીમોને તાલીમ આપી સુસજ્જ કરી હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રીની આ બેઠકમાં સબંધિત AEO,ARO પ્રાંત અધિકારીશ્રીઓ, નોડલ ઓફિસરો સહિત વિવિધ ટીમના વડા ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦