લોકડાઉન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેંદ્ર,વઘઈ દ્વારા ખેડૂતોને ડાયલ આઉટ (ઓડીયો કોન્ફરન્સ) સેવાના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું
(અજુઁન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ડાંગ જીલ્લામાં આવતા ખેતી, બાગાયત અને પશુપાલન વિષયક પ્રશ્નોનાં નિવારણ માટે હંમેશા તત્પર રહે છે. કોરોના સંક્રમણથી બચવા માટે આપણાં દેશમાં લોકડાઉન જાહેર થયેલ છે જેના કારણે ખેડૂત તાલીમ જેવા કાર્યક્રમ ના થઈ શકતા હોવાના કારણે ખેડૂતોના ખેતી, બાગાયત અને પશુપાલન લક્ષી પ્રશ્નોનાં નિવારણ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વઘઇ અને રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આજ રોજ તારીખ ૧૭/૦૪/૨૦૨૦ ના રોજ ડાંગ જીલ્લાના ખેડૂતોને ખેતી,બાગાયત અને પશુપાલન વિષયક માર્ગદર્શન ડાયલઆઉટ (ઓડીયો કોન્ફરન્સ) ના માધ્યમથી આપવામાં આવી હતી.
આ ડાયલઆઉટ (ઓડીયો કોન્ફરન્સ) દ્વારા ખેડૂતોએ ડાંગરની શ્રી પધ્ધતિ, સેન્દ્રીય ખેતપેદાશનું ઉત્પાદન અને તેના માટેની બજાર વ્યવસ્થા, હળદરના મૂલયવર્ધનમાં આવતા વિવિધ પ્રશ્નો, ભીંડામાં પાક સંરક્ષણ, મશરૂમમાં રોગ વ્યવસ્થાપન , પશુની યોગ્ય ઉંમર થવા છતાં ગરમીમાં ન આવવું વગેરે જેવા વિવિધ પાસાઓ ઉપર પોતાની મૂંઝવણ રજૂ કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તથા વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોના વિવિધ ખેતી,બાગાયત અને પશુપાલન વિષયક પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને આ ડાયલ આઉટ(ઓડીયો કોન્ફરન્સ)માં ડાંગ જીલ્લાના આશરે ૫૨ જેટલા ખેડૂતો જોડાયેલ હતા.