ડાંગમાં ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના 2022-23માં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ સાથે ગુજરાત તકેદારી આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી મારફત આદિવાસી સમાજના ખેડુતોને આંબા કલમનું વિતરણ કરવામાં આવેલ હતુ. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો હોય તેવા આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવસ્ટ જમનાદાસ વાડુ અને મોતીલાલ ચૌધરી દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ કાર્યવાહી પણ થઈ પણ તે અંગેની જાણ આરટીઆઈ એક્ટિવસ્ટને કરવામાં આવી નહોતી. જેને લઈને ફરી એકવાર ગાંધીનગર તકેદારી આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી મારફત આદિવાસી સમાજના ખેડુતોને આંબા કલમ વિતરણ કરવામાં આવેલ હતી. જેને લઈને આર.ટી.આઈ એક્ટીવીસ્ટ જમનાદાસ જીવલભાઈ વાઢુ અને મોતીલાલ સોમા ચૌધરી દ્વારા તે અંગેની આરટીઆઇ કરવામાં આવી હતી અને માહિતી માંગવામાં આવી હતી. જે બાદ માહિતીની તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, કુલ લાભાર્થી સંખ્યા 347 અને આંબા કલમની સંખ્યા 16,160 અને એક આંબા કલમની કિંમત રૂા.200/- આમ કુલ રૂ।.32,32000/- નો ખર્ચ બતાવેલ હતો. પરંતુ અહીં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવેલ હોવાનું જણાઇ આવતા આ બન્ને આર.ટી.આઈ એક્ટિવેસ્ટ એ તા.05/01/2023નાં રોજ લેખિતમાં રજૂઆત કરી હતી અને આ મામલે તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. અને જનજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરસિંહ પટેલ વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે તે અંગેની જાણ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટને કરવામાં આવી નહોતી. ત્યારે આ મામલે વધુ તપાસ થાય અને જવાબદાર અધિકારી કે કર્મચારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે બન્ને આરટીઆઇ એક્ટિવિસ્ટોએ ગુજરાત તકેદારી આયોગને લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે આવનાર દિવસોમાં તપાસના ધમધમાટમાં અનેકનાં નામો ખુલશે તેવી ચર્ચા પણ વહેતી થઈ છે.